Get The App

કાલાવાડમાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો, રણજીત સાગર ડેમ થયો ઓવરફ્લો

Updated: Jul 7th, 2020

GS TEAM

Google News
Google News
કાલાવાડમાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો, રણજીત સાગર ડેમ થયો ઓવરફ્લો 1 - image


રાજકોટ, તા. 07 જુલાઈ 2020 મંગળવાર

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. આજે મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યનાં 213 જિલ્લાઓમાં વરસાદ નોંઘાયો છે. જેમા સૌથી વધુ જામનગરનાં કાલાવાડમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે પડધરીમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે.

ધ્રોલમાં 8 ઈંચ, જોડિયામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છના ભચાઉમાં 6 ઈંચ, જામનગરમાં 5.72 ઈંચ ખંભાળિયામાં 5.16 ઈંચ વરસાદ નોધાયો છે. લોધિકા અને રાજકોટમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસતા વરસાદને કારણે જામનગર જિલ્લાના મોટાભાગના ડેમો ઓવરફ્લો થયા છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદથી જળાશયોમાં પાણીની ધોધમાર આવક થઈ રહી છે. મોટાભાગનાં ડેમ ભરાઈ જતા દરવાજા ખોલવામાં આવતા હેઠવાસનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રનાં સિંચાઈ વિભાગ હેઠળનાં 65થી વધુ જળાશયોમાં અર્ધાથી માંડીને 22 ફૂટ સુધીની સપાટીમાં વધારો થયો છે.

જામનગરમાં શહેરને પીવાનું પાણી પૂરું પડતો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. રાજાશાહી વખતનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા રસ્તો બંધ થયો છે. જેના કારણે રાહદારીઓ અટવાયા છે.

મળતી માહિતી પ્રમાણે, જામનગરમાં ઉંડ નદીના વહેણમાં બે યુવાનો તણાયા છે. ઉંડ ડેમના 20 પાટિયા ખોલતા નદીમા ઘોડાપુર આવ્યા હતા. જેમાં જોડિયાના બે યુવાનો તણાતા હાહાકાર મચી ગયો હતો.

રાજકોટ જિલ્લામાં પડધરી પાસે આવેલા ન્યારી - 2, આજી - 3, જામનગર જિલ્લાનાં ફૂલઝર 1 , ફૂલઝર કોબા, ડાઈમીણસર , ઉંડ - 2 , પોરબંદર નજીક આવેલો સારલા, વંથલી પાસેનો ઓજત વિયર, બાંટવા ખારો, સાબલી અને ઓજત - 2 ડેમમાં ગઈ રાત્રે પાણીની જોરદાર આવકથી ડેમ ભરાઈ જતા દરવાજા ખોલવા પડયા હતા.

વંથલી અને જૂનાગઢ પંથકનાં જળાશયોનાં દરવાજા ગત મોડી રાતે ખોલવા પડયા હતા. આ ડેમોનાં સ્ત્રાવ વિસ્તારમાં આવેલા ગામોને નદીનાં પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્રારા સૂચનાઓ આપવામાં આવી છે. નિકાવામાં સાત ઈંચ જેટલો ભારે વરસાદ થતા ખારા ડેમ ઓવરફલો થયો છે જયારે ઉંડ - 4 છલકાવાની તૈયારીમાં છે.

Tags :