કાલાવડ માર્કેટિંગ યાર્ડ કપાસની હરાજીના પણ થયા શ્રી ગણેશ, રેકોર્ડ બ્રેક ભાવ બોલાતાં ખેડૂતો ખુશખુશાલ
જામનગર, તા. 26 ઓક્ટોબર 2020, સોમવાર
જામનગર જિલ્લાના કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની હરાજીના પણ શ્રી ગણેશ થયા છે, અને પ્રથમ દિવસે 1000 જેટલી ભારીની આવક થઇ છે, અને 1084નો ઊંચો ભાવ રહ્યો છે.
કાલાવડ ગ્રામ્ય પંથકના ખેડૂતોને આજે મગફળીની સાથે સાથે કપાસની હરાજી માટે પણ બોલાવ્યા હતા, અને પ્રથમ દિવસે જ 1,000 જેટલી કપાસની ભારી ની આવક થઇ હતી. જેના માટેની હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો, અને સૌથી ઊંચો 1,084 જેટલો ભાવ બોલાયો હતો. જેથી કપાસના પણ ઊંચા ભાવ મળ્યા હોવાથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.
ઉલ્લેખનીય છે કે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ખેડૂતોને પોતાની મગફળીનો જથ્થો લઇ આવવા માટેની જાણકારી અપાઇ હતી, જે દરમિયાન રેકોર્ડબ્રેક કરી શકાય તેટલા 225 વાહનોમાં 35,000 મગફળીની ગુણીની આવક થઈ છે.
હાલ માર્કેટિંગ યાર્ડમાં જગ્યા ન હોવાથી પાંચ દિવસ સુધી ખેડૂતોને બોલાવાશે નહીં, તેમજ હરાજીની પ્રક્રિયા દરમિયાન મગફળીની પણ રેકોર્ડ બ્રેક હરાજી થઈ છે અને 20 કિલો(એક મણ)નો મગફળીનો ભાવ 850 રૂપિયાથી 1,465નો બૉલાયો છે, જે પણ એક રેકોર્ડ છે. જેને લઇને ખેડૂતો ખુશખુશાલ થયા છે, અને ખેડૂતોની આખરે દિવાળી સુધરી છે.