જામનગરની શાળા-કોલેજોમા આજથી રજા આપતા વિદ્યાર્થીઓનો શોરગુલ શાંત
- જામનગરના તમામ સિનેમાગ્રહો અને મોલ પણ આજથી ખાલીખમ.
જામનગર, તા.16 માર્ચ 2020, સોમવાર
જામનગર શહેરની તમામ શાળા-કોલેજોમાં આજથી પંદર દિવસ માટેના શિક્ષણ કાર્ય બંધની રાજ્ય સરકારની જાહેરાત પછી જામનગરની શાળા-કોલેજો આજથી બંધ થઈ છે. અને વિદ્યાર્થીઓને શોરગુલ શાંત પડી ગયો છે. રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે મોડેથી જાહેરાત કરાયા પછી જામનગરની કેટલીક શાળા-કોલેજોમાં આજે શિક્ષકો રાબેતા મુજબ હાજર થયા હતા.
જેની સાથે સાથે કેટલાક વિદ્યાર્થીઓ પણ શાળાએ અભ્યાસ અર્થે આવી ગયા હતા. પરંતુ રાજ્ય સરકારના આદેશ અનુસાર જે વિદ્યાર્થીઓ આવ્યા હતા. તેઓને શાળામાં પ્રાર્થના કરાવી રજા આપી દીધી હતી. અને આગામી 29/3/2020 સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે. જેથી જામનગરની તમામ શાળા કોલેજો આજે બંધ કરવામાં આવી છે. જો કે શિક્ષણ સ્ટાફ હાજર રહ્યો છે.
ઉપરાંત જામનગર જિલ્લાની 105 શાળાઓમાં ધો.10 અને 12ની પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલી રહી છે. જેના પર કોઈ બંધની અસર જોવા મળી નથી, અને તમામ વિદ્યાર્થીઓ રાબેતા મુજબ પરીક્ષા આપી રહ્યા છે.
જામનગર શહેરમાં આવેલી એક સિનેમા ગ્રહ ઉપરાંત 2 મલ્ટિપ્લેક્સ કે જેમાં ગઇકાલથી જ શો બંધ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. અને આજથી ત્રણેય સીનેગ્રહો બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી સિનેમાગૃહોને ખુરશી પણ આજે ખાલીખમ નજરે પડી રહી છે.