ચાર કિલો જથ્થા સાથે પકડાઈ જતાં કબૂલાત બેડી વિસ્તારમાં નશીલા પદાર્થોનું વેચાણ કરતા શખ્સનાં કહેવાથી છેલ્લે નાસીકથી ગાંજો લાવ્યાનું ખુલ્યું
જામનગર, : જામનગરમાં ત્રણબત્તી વિસ્તારમાંથી ગઈકાલે મોડી સાંજે એક રિક્ષાચાલક શખ્સને એસ.ઓ.જી. શાખાની ટીમેં ૪ કિલો ગાંજા સાથે પકડી પાડયો હતો. જે શખ્સ રૂપિયા દસ હજારમાં મહારાષ્ટ્રથી ગાંજાની ખેપ કરતો હતો, અને જામનગરના જ એક શખ્સ દ્વારા મંગાવવામાં આવતા ગાંજાની ખેપ માટે રૂપિયા 10,000નું મહેનતાણું અપાતું હતું. જે પ્રકારની 3 ખેપ કરી હોવાની કબુલાત આપી છે.
જામનગરમાં એસ.ઓ.જી. શાખાએ ત્રણબત્તી વિસ્તારમાંથી ઇકબાલ ઉર્ફે રફીક મુસાભાઇ ચાવડા નામના રીક્ષાચાલકને ચાર કિલો નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડયો હતો. જેની પૂછપરછમાં પોતે ડિલિવરી મેન તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું અને મહારાષ્ટ્રમાંથી ગાંજાનો જથ્થો લઇ આવવાની ખેપ કરવા માટે 10,000 રૂપિયા મળતા હોવાની કબુલાત આપી છે.
બેડી વિસ્તારમાં રહેતા હાજી ઉર્ફે જોજો નામના શખ્સ દ્વારા નશીલા પદાર્થનું જામનગરમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે, જે મહારાષ્ટ્રમાંથી ડ્રગ્સનો જથ્થો મંગાવતો હોવાની કબુલાત કરીને પોતે તેમાં ડિલિવરીમેન તરીકે ભૂમિકા ભજવતો હોવાની કબુલાત આપી છે. અગાઉ પોતે મહારાષ્ટ્રના નંદુરબાર વિસ્તારમાં જઇને બે વખત ડ્રગ્સનો જથ્થો બસ મારફતે જામનગર લઈ આવ્યો હોવાની અને હાજીને પહોંચાડે હોવાની કબૂલાત કરી છે. જેમાં તેને બંને વખત 10,000 રૂપિયાનું વળતર મળ્યું હતું
ત્યારપછી ફરીથી તેને નવી ખેપ કરવા માટે નાસિક મોકલાવ્યો હતો, જ્યાંથી મહેન્દ્રસિંહ નામના શખ્સ પાસેથી ચાર કિલો ગાંજો લઈને એસટી બસ મારફતે મહારાષ્ટ્રથી અમદાવાદ અને અમદાવાદથી જામનગરની ખાનગી લક્ઝરી બસમાં બેસીને અંબર ચોકડી સુધી લંબાવ્યો હતો, અને ત્યાંથી ઊતરીને ત્રણબત્તી વિસ્તારમાં પગપાળા ચાલીને પહોંચતા એસ.ઓ.જી.ની ટીમના હાથે ઝડપાઇ ગયો હતો.


