Jamnagar

દિવાળી પહેલાં જામનગર પોલીસ એક્શનમાં: મુખ્ય બજારોમાં ફૂટ પેટ્રોલિંગ, સુરક્ષા બંદોબસ્ત સઘન

By GS Team
5 Nov 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં દિવાળીના તહેવારોને લઈ પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં ખરીદી થાય તે માટે સુરક્ષા સઘન બનાવાઈ છે. સિટી-એ ડિવિઝન PI વી.એમ. ડોડીયા સહિતના કાફલાએ મુખ્ય બજારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ઉપરાંત, બેંકો, આંગડિયા પેઢીઓ અને જ્વેલર્સ સાથે બેઠકો યોજી સુરક્ષા અંગે સૂચનાઓ અપાઈ હતી. શહેરના પ્રવેશ માર્ગો પર પણ બંદોબસ્ત ગોઠવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળી પહેલાં જામનગર પોલીસ એક્શનમાં: મુખ્ય બજારોમાં ફૂટ પેટ્રોલિંગ, સુરક્ષા બંદોબસ્ત સઘન

Jamnagar: જામનગર શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને નાગરિકો શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ખરીદી કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા તકેદારીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.

તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિ સમિતિઓ, બેંકો, આંગડિયા પેઢીઓ અને જ્વેલર્સના સંચાલકો સાથે બેઠકો યોજી સુરક્ષા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, શહેરના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો તેમજ જિલ્લા સરહદો પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

સિટી-એ ડિવિઝન પોલીસનું મુખ્ય બજારોમાં પેટ્રોલિંગ

દિવાળીની ખરીદી માટે શહેરનાં બજારોમાં લોકોની અવરજવર વધતાં સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા મુખ્ય બજાર વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. ડોડીયા, દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઈ વી.આર. ગામૅતી અને પીએસઆઈ એમ.એન. રાઠોડ સહિતના પોલીસ કાફલાએ બજારોમાં ફરી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

પોલીસ કાફલા દ્વારા બર્ધન ચોક માર્કેટ, માંડવી ટાવર રોડ, સેન્ટ્રલ બેંક રોડ તેમજ ચાંદી બજારની સોની બજારથી દરબારગઢ સુધીના વિસ્તારોમાં પદયાત્રા કરીને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તહેવારોની ખરીદી માટે ઉમટતી ભીડ વચ્ચે વેપારીઓ અને ગ્રાહકોની સુરક્ષા જળવાઈ રહે તથા કોઈ શંકાસ્પદ ગતિવિધિ ધ્યાનમાં આવે તો તાત્કાલિક કાર્યવાહી થઈ શકે તે માટે પોલીસ દ્વારા સઘન નજર રાખવામાં આવી રહી છે.

દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા તકેદારી અને પેટ્રોલિંગની કામગીરી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.