Get The App

જામનગર પોલીસનાં CCTV કેમેરા ઓન : પ્રથમ દિવસે 47 કેસ

- ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોમાં ફફડાટ

- ચાલુ વાહને મોબાઈલ ફોનમાં વાત કરતા 35 અને ત્રણ સવારીમાં બાઈક પર નીકળેલા 12 વાહનચાલકોનાં ઘરે છ - મેમો રવાના

Updated: Feb 15th, 2020

GS TEAM

Google News
Google News
જામનગર પોલીસનાં CCTV કેમેરા ઓન : પ્રથમ દિવસે 47 કેસ 1 - image


 જામનગર,તા.15 ફેબ્રુઆરી 2020, શનિવાર 

જામનગર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા આજથી સીસીટીવી કેમેરાઓ ઓન કરી દેવામાં આવ્યા છે અને તેના આધારે ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે પ્રથમ દિવસે કુલ ૪૭ વાહનચાલકો દંડાયા છે. જેમાં ચાલુ વાહને મોબાઈલ માં વાત કરનારા ૩૫ વાહનચાલકો સામે કેસ કરાયા છે. જ્યારે ત્રણ સવારી માં નીકળેલા બાર વાહનચાલકો સામે પણ કેસ કરવામાં આવ્યા છે. જે તમામ ના ઘરે સ્પીડ પોસ્ટ મારફતે મેમા રવાના કરવામાં આવી રહ્યા છે.

 જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા આજથી સીસીટીવી કેમેરાઓ નો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. અને શહેરા જુદા જુદા વિસ્તારોમાં લગાવવામાં આવેલા ૩૬૦ કેમેરાઓ પૈકી ૩૧૫ કેમેરા શરૂ કરીને તેનું મોનિટરિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આજે સવારે દસ વાગ્યે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાંજે ૬ વાગ્યા સુધી ૧૪ જેટલા કર્મચારીઓ દ્વારા તેનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતુ.

 આજે પ્રથમ દિવસે જામનગરના અંબર ચોકડી, ગુરુદ્વાર ચોકડી, એસટી ડેપો રોડ, જીજી હોસ્પિટલ, હિંમતનગર કોલોની રોડ, હનુમાન ગેઇટ પોલીસ ચોકી સહિતના અલગ અલગ વિસ્તારોમાં લગાવેલા સીસીટીવી કેમેરાઓ પર મોનીટરીંગ કરવામાં આવ્યું હતું અને ચાલુ વાહનમાં મોબાઇલ પર વાત કરનારા ૩૫ વાહનચાલકોને શોધી કાઢવામાં આવ્યા હતા. જેઓ ના નંબર પ્લેટ ના આધારે તેમનું નામ ફોટો વગેરે સર્ચ કરી કોમ્પ્યુટર મારફતે કલર પ્રિન્ટ કાઢી લેવામાં આવી છે. અને તે વાહન ચાલકોના સરનામા પર ૫૦૦-૫૦૦ રૂપિયા દંડ ના મેમાં તૈયાર કરવામાં આવ્યા છે. જે સોમવારે સ્પીડ પોસ્ટ મારફતે વાહન ચાલકોના ઘેર પહોંચાડી દેવામાં આવશે.

આ ઉપરાંત શહેરમાંથી  ત્રણ સવારીમાં નીકળેલા ૧૨ વાહનચાલકોને શોધી કાઢવામાં આવ્યા છે, અને તેઓને રૂપિયા ૧૦૦ ના દંડ ના મેમા તૈયાર કરવામાં આવ્યા છે. જેઓને પણ સ્પીડ પોસ્ટ મારફતે મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

હાલમાં દંડ ભરવા માટેની વ્યવસ્થા ઓનલાઇન પણ ગોઠવવામાં આવી છે. જેની વિગત મેમો માં સામેલ કરેલી છે. કોઈપણ વાહન ચાલક ઓનલાઇન દંડની રકમ ભરી શકશે. ઉપરાંત જામનગરના જિલ્લા પોલીસ વડાની કચેરી ના બાજુમાં જ ઊભા કરાયેલા સીસીટીવી કેમેરાના કંટ્રોલરૂમમાં કેશ બારી ઉભી કરવામાં આવી છે. જ્યાં દંડની રકમ સ્વીકાર કરવામાં આવશે. ટ્રાફીક ઝુંબેશ ની આ કાર્યવાહી આવતીકાલે રવિવારે પણ ચાલુ રાખવામાં આવશે.

હાલમાં ત્રણ સવારી બાઈક અને ચાલુ વાહને મોબાઈલ ફોનમાં વાતચીત કરવા સહિતના કેસો કરવામાં આવ્યા છે. પરંતુ હવે આવનારા દિવસોમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવું  સહિતના જુદા-જુદા અન્ય ટ્રાફિક નિયમન ભંગના પણ કેસો કરવામાં આવશે. હાલમાં હેલ્મેટ તેમજ સીટબેલ્ટ ના કેસ માંથી મુક્તિ આપવામાં આવી છે.

Tags :