જામનગર પાલિકાની અનઅધિકૃત બાંધકામો સામે કડક કાર્યવાહી : SOP મુજબ નિયમિત કરવા અથવા દૂર કરવા અપીલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારના અનઅધિકૃત વિકાસ નિયમિતીકરણ અધિનિયમ-2022 તથા સરકાર દ્વારા જાહેર કરાયેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસ.ઓ.પી.) મુજબ શહેરમાં આવેલા અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
મહાનગરપાલિકાના અધિકૃત વિસ્તારોમાં આવેલા તમામ બાંધકામધારકોને સૂચના આપવામાં આવે છે કે જો કોઈ રહેણાંક, વ્યાવસાયિક, હોસ્પિટલ, હોટેલ, લોજ, રેસ્ટોરન્ટ, શૈક્ષણિક સંસ્થા અથવા અન્ય કોઈ પ્રકારનું બાંધકામ વિકાસ પરવાનગી મેળવ્યા વગર અથવા મંજૂર નકશાથી વિપરીત બનાવવામાં આવ્યું હોય, તો તેવા બાંધકામોને સરકારના નિયમો અનુસાર નિયમિત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.
મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે કે નિયમિતીકરણ માટે પાત્ર હોવા છતાં સમયમર્યાદામાં અરજી ન કરનાર અથવા નિયમોનું પાલન ન કરનાર બાંધકામો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં અનઅધિકૃત બાંધકામોને દૂર કરવાની કાર્યવાહી પણ સામેલ રહેશે.
સરકારના એસ.ઓ.પી.મુજબ 50 થી વધુ વ્યક્તિઓની અવરજવર અથવા ભેગા થવાની શક્યતા ધરાવતા બાંધકામો જેવા કે મોલ, શોપિંગ સેન્ટર, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોટેલ, હોસ્પિટલ, ગેસ્ટ હાઉસ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક હોલ તથા અન્ય જાહેર ઉપયોગના મકાનો માટે ખાસ માર્ગદર્શિકા અમલમાં છે. આવા બાંધકામોના માલિકો અને ઉપયોગકર્તાઓએ સરકારશ્રીના નિયમો મુજબ જરૂરી દસ્તાવેજો સાથે બાંધકામ નિયમિતીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
મહાનગરપાલિકાએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે તેઓ સરકારના નોટિફિકેશન અને એસ.ઓ.પી. અનુસાર પોતાના બાંધકામોની સ્થિતિની તપાસ કરી સમયસર અરજી કરે. જરૂરી માહિતી અને માર્ગદર્શન માટે જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાનો સંપર્ક કરવા જણાવાયું છે.
મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે અનઅધિકૃત બાંધકામો સામેની કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે અને નિયમોનું પાલન ન કરનારાઓ સામે કાયદેસર પગલાં લેવામાં આવશે.









