Gujarat

જામનગર મહાનગરપાલિકાએ સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનારા અને માસ્ક નહીં પહેરનારા 66 લોકો સામે પ્રથમ દિવસે દંડ કર્યો

By GS Team
17 Apr 20202 mins read
This article was originally published on 17 Apr 2020
જામનગર મહાનગરપાલિકાએ સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનારા અને માસ્ક નહીં પહેરનારા 66 લોકો સામે પ્રથમ દિવસે દંડ કર્યો

મનગર, તા. 17 એપ્રિલ 2020 શુક્રવાર 

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિક્રેતાઓને દ્વારે સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું રહે ઉપરાંત લોકો માસ્ક પહેર્યા વિના બહાર ન નિકળે તે માટેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયા પછી ગઈકાલે પ્રથમ દિવસે જામ્યુકોની ટીમ દ્વારા 66 કેસ કરવામાં આવ્યા હતા અને 13,400 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

 ઉપરાત આજે જામનગરના અલગ-અલગ વોર્ડના 32 એસ.એસ.આઈ. ઉપરાંત શહેરના છ ઝોન પાડી ત્રણ-ત્રણ કર્મચારીઓ સાથેની ટુકડીઓને દોડતી કરાઇ છે. જેઓ દ્વારા સવારે 9 થી 1 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ અંગે તેમજ માસ્ક નહીં પહેરવા અંગે દંડના કેસ કરવામાં આવી રહ્યા છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ દ્વારા ગઈકાલે ફરજિયાત માસ્ક પહેરીને બહાર નીકળવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું અને તેની અમલવારી ગઈકાલથી શરૂ કરી દેવામાં આવી હતી. જેના ભાગરૂપે ગઇકાલે પ્રથમ દિવસે જુદા જુદા વેપારીઓને ત્યાં સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનાર વેપારીઓ- ગ્રાહકો ઉપરાંત માસ્ક પહેર્યા વિના નીકળેલા લોકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગઈકાલે 66 કેસ કરવામાં આવ્યા છે અને રૂપિયા 13,400નો દંડ વસૂલી લેવામાં આવ્યો હતો.

જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એકે વસ્તાણી ની રાહબરી હેઠળ 32 એસ.એસ.આઈ. ની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની ટી.પી.ઓ. શાખા ફાયર બ્રિગેડ શાખા અને સોલિડ વેસ્ટ શાખાના ત્રણ ત્રણ કર્મચારીઓ ની જુદી-જુદી છ ટીમ બનાવી શહેરના અલગ અલગ છ ઝોન પાડવામાં આવ્યા છે અને તે ટિમ દ્વારા પણ સવારે નવ વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મ્યુનિ. કમિશનરના જાહેરનામાનાની કડક અમલવારી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી જ શાકભાજીની લારી પર એકઠી થતી ભીડ અંગે દંડકીય કાર્યવાહી શરૂ કરી છે.

ઉપરાંત અનાજ કરિયાણા, મેડિકલ સ્ટોર અને દૂધ ના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ શરૂ કર્યું છે. સાથોસાથ શહેરમાં માસ્ક પહેર્યા વિના નીકળનારા લોકોને પણ અટકાવી તેઓ સામે દંડકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.