જામનગર મનપા દ્વારા લોકડાઉન દરમિયાન ધૂળ ખાતા મોટા 63 વાહનો કબજે કરાયા, 70 રેકડી-કેબિનો કબજે
- જાહેર માર્ગો પર ભીડ એકઠી કરનાર 300 શાકભાજીના વિક્રેતાઓના વજન કાંટા કબજે કરાયા
જામનગર, તા. 16 એપ્રીલ 2020, ગુરુવાર
જામનગર મહાનગરપાલિકા દ્વારા લોક ડાઉન ની અમલવારી નો પ્રારંભ થયો ત્યારથી અત્યાર સુધીમાં જાહેર માર્ગો પર ધૂળ ખાતા 63 જેટલા મોટા વાહનો કબજે કરી લેવાયા છે. જેમાં ટ્રક, ટ્રેક્ટર, રીક્ષા,જેસીબી, કાર વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત 70થી વધુ રેકડી-કેબીનો કબજે કરી લેવામાં આવી છે. ઉપરાંત જાહેર માર્ગોપર ભીડ એકઠી કરનાર 300 શાકભાજી ના રેકડી ચાલકોના વજન કાંટા પણ કબજે કરવામાં આવ્યા છે.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશનર શ્રી સતીશ પટેલ ની સૂચનાથી એસ્ટેટ વિભાગની દબાણ હટાવ શાખા ની ટીમ દ્વારા જામનગર શહેરમાં ઘણા સમયથી ધૂળ ખાતા વાહનોને ઉપાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અને લોક ડાઉનના સમયગાળા દરમિયાન જુદા જુદા વિસ્તારોમાંથી 25 ટુ વ્હીલર, 16 ફોરવ્હીલર, એક જેસીબી મશીન, 7 ટ્રેક્ટર, 8 રીક્ષા, 5 ટ્રક અને એક મીની બસ સહિતના વાહનો કબજે કરી લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત જાહેર માર્ગો પર આડેધડ રીતે લગાવવામાં આવેલા ઉપરાંત જામ્યુકોના સ્ટ્રીટ લાઈટના વીજથાંભલા પર લગાવવામાં આવેલા બે હજારથી વધુ કિયોસ્ક બોર્ડ હોર્ડિંગ વગેરે પણ ઉતારી લેવામાં આવ્યા છે. એસ્ટેટ શાખા ની ટીમ દ્વારા લોક ડાઉન ના સમયગાળા દરમિયાન શહેરમાં જાહેર માર્ગો પર અડચણ રૂપ થતી હોય અને લાંબા સમયથી પડી રહેલી હોય તેવી 40 કેબિનો અને 30 રેકડીઓ પણ કબજે કરી લેવામાં આવી છે. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં જાહેર માર્ગ પર ભંગારનો જથ્થો રાખીને વેચાણ કરતા એક વિક્રેતાનો રૂપિયા અઢી લાખનો ભંગારનો માલ સામાન પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે.
લોક ડાઉન ના સમયગાળા દરમિયાન કેટલાક શાકભાજીના વિક્રેતાઓ જાહેર માર્ગ પર ઊભા રહીને ભીડ એકઠી કરી રહ્યા છે તેવા ૩૦૦ જેટલા શાકભાજીના વિક્રેતાઓ ના વજન કાંટા કબજે કરી લેવામાં આવ્યા હતા. જો કે પ્રત્યેક વિક્રેતાઓ પાસેથી ૨૦૦ રૂપિયા દંડની વસૂલાત કરીને વજન કાંટા પરત આપવામાં આવી રહ્યા છે.