જામનગર-ખંભાળિયા હાઈવે રક્તરંજિતઃ કાર અને બાઈક અથડાતા 4ના કરૂણ મોત
- શાપર અને કાનાશિકારી ગામ વચ્ચે ગોઝારો અકસ્માત
- ધડાકાભેર ગોથુ ખાઈને કાર રોડની નીચે દિવાલ સાથે ટકરાતા બુકડો બોલી ગયો, શાળાએથી ગામમાં પરત જતી બે વિદ્યાર્થિનીઓ પણ અકસ્માતમાં ઘાયલ
જામનગર, તા. 28 જાન્યુઆરી 2020, મંગળવાર
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર શાપર અને કાના શિકારી ગામની વચ્ચે આજે સવારે એક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં કારની અંદર બેઠેલા ત્રણ યુવાનોના તથા બાઈક ચાલક મળી ૪ના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે કારની અંદર બેઠેલી બે વિદ્યાથનીઓને ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને તપાસ શરૂ કરી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પણ સાપર અને કાના શિકારી ગામ વચ્ચે આજે સવારે સ્વીફ્ટ કાર અને મોટરસાઈકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનો ટકરાઇને બુકડો વળી ગયા હતા.
ગોઝારા અકસ્માતમાં કારની અંદર બેઠેલા સાપર નજીક નવા ગામના વતની કુલદિપ ગોરધનભાઈ સોનરત(ઉ.વ.૨૧) વિશ્વરાજસિંહ પ્રદિપસિંહ ઝાલા (ઉંમર વર્ષ ૧૪) અને સુખદેવસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.વર્ષ ૨૨) ત્રણેયના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા.આ ઉપરાંત કારમાં જ બેઠેલી સ્નેહા પ્રદિપસિંહ ઝાલા (ઉં.વ. ૧૬) અને આરતીબા લખુભા જેઠવા (ઉ.વ.૧૬) નામની બે વિદ્યાર્થીનીઓને ઇજા થઈ હોવાથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જ્યારે બાઈક ચાલક કાના શિકારી ગામના વતની મોહનભાઈ ચંદુલાલ જોષી (ઉંમર વર્ષ ૩૬)ને પણ ગંભીર ઇજા થઈ હોવાથી ૧૦૮ મારફતે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નીપજયું હતું.
અકસ્માત અંગેની જાણ થતા સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર ગોથું ખાઈ ને રોડથી નીચે દીવાલ સાથે ટકરાઇ ગઇ હતી અને કારનો બુકડો બોલી ગયો હતો. તેની સાથે બાઈક પર ટકરાયું હોવાથી બાઈક પડીકું વળી ગયું હતું.
કારમાં બેઠેલી બન્ને વિદ્યાર્થિની કે જે મૃતકોની સંબંધી હતી,તે બંનેને શાળાએથી છૂટયા બાદગામમાં લઈને આવતા હતા. જે દરમિયાન આ બનાવ બની ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર બનાવની મેઘપર પોલીસ તપાસ ચલાવી રહી છે. નવાગામમાં એક સાથે ત્રણ વ્યક્તિના મૃત્યુ ને લઈને ગામમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.