Gujarat

જામનગર જિલ્લામાં આજે સતત બીજા દિવસે પણ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો: પરંતુ મૃત્યુ દર વધ્યો: છેલ્લા 24 કલાકમાં ત્રણ મૃત્યુ

By GS Team
25 Jan 20223 mins read
This article was originally published on 25 Jan 2022
જામનગર જિલ્લામાં આજે સતત બીજા દિવસે પણ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો: પરંતુ મૃત્યુ દર વધ્યો: છેલ્લા 24 કલાકમાં ત્રણ મૃત્યુ

- છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમિત થયેલા દર્દી કરતા કોરોના મુક્ત થયેલા દર્દીઓનો આંકડો વધુ

- જામનગર શહેરના 140 કેસ નોંધાયા જ્યારે 209 દર્દી કોરોના મુક્ત થયા: ગ્રામ્ય વિસ્તારના 43 કેસ સામે 55 દર્દી કોરોના મુક્ત થયા

- જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે જામનગરના ૨ અને ધ્રોળના-1 સહિત ત્રણ દર્દીએ દમ તોડયો: અન્ય 61 દર્દીઓ સારવાર હેઠળ: બે ગંભીર

જામનગર, તા. 25

જામનગર શહેર અને જિલ્લાના કોરોના ના કેસ મામલે ધરખમ ઉછાળો નોંધાયા પછી આખરે બે દિવસથી તેમાં રાહત જોવા મળી છે, અને આજે પણ સમગ્ર જિલ્લામાં કોરોના ના પોઝિટિવ કેસ કરતાં કોરોના મુક્ત થનારા દર્દીઓનો આંકડો વધુનો છે. જેથી જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના 140 નવા કેસ સામે આવ્યા છે, જેની સામે 209 દર્દી કોરોના મુક્ત થયા છે. તે જ રીતે ગ્રામ્ય વિસ્તારના નવા 43 કેસ નોંધાયા છે, જ્યારે ૫૫ દર્દી કોરોના મુક્ત થયા છે. સરકારી જી.જી.હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં આજે સવારે જામનગર શહેરના બે અને ધ્રોળના 1 સહિત કુલ 3 દર્દીઓએ જી.જી. હોસ્પિટલના બિછાને સારવાર દરમિયાન દમ તોડયો છે. તેમજ હજુ 61 દર્દીઓ કોરોના ની સારવાર હેઠળ છે. જે પૈકી બે દર્દી ની હાલત ગંભીર છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યા પછી આજે સતત બીજા દિવસે પણ તેમાં ધરખમ ઘટાડો નોંધાયો છે, અને જામનગર શહેરના છેલ્લા ૨૪ કલાક દરમિયાન 140 કેસ નોંધાયા છે. જ્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 24 કલાક દરમિયાન 209 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. તે જ રીતે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ કોરોના ના કેસ મામલે ઘણી રાહત જોવા મળી છે, અને માત્ર 43 પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે 55 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાયા છે.

જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધ્રોળ માં -2, જોડિયામાં-7, જામનગર તાલુકામાં-8, જામજોધપુરમાં -5, કાલાવડમાં -13, અને લાલપુરમાં 8, સહિત 43 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા રવિવારના દિવસે પણ કોરોના પરીક્ષણની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી, અને છેલ્લા 24 કલાક દરમિયાન 2,634 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે જ રીતે જામનગર ગ્રામ્યના 1,310 સહિત સમગ્ર જિલ્લામાં 3,944 પરીક્ષણ કરી લેવામાં આવ્યા છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માં આજની તારીખે કૂલ 61 દર્દીઓ કોરોના ની સારવાર મેળવી રહ્યા છે, જયારે 3 દર્દીઓએ દમ તોડી દીધો છે. જામનગરના પટેલ કોલોની નજીક આનંદ કોલોની વિસ્તારમાં રહેતા અરુણાબેન દિલીપભાઈ ત્રિવેદી નામના 70 વર્ષીય વૃદ્ધાએ કોવિડ હોસ્પિટલમાં દમ તોડયો છે, જ્યારે જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા હીરુબેન ચોવટીયા નામના 73 વર્ષીય વૃદ્ધ મહિલાએ પણ દમ તોડી દીધો છે. સાથોસાથ ધ્રોળ પંથકના એક કોરોનાગ્રસ્ત દર્દી નું સરકારી જી.જી. હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ દર્દીના મૃત્યુને લઈને કોરોનાના મામલે શહેર જિલ્લામાં ભયનો માહોલ ફેલાયો છે.