જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળાની તૈયારીઓ શરૂ કરાઇ
- મેળાના ધંધાર્થીઓ માટેના પ્લોટની માપણીનું કાર્ય હાથ ધરાયું: વીજપોલ ઊભા કરાયા
જામનગર,તા.16 ઓગષ્ટ 2023,બુધવાર
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તૈયારી શરૂ થઈ ગઈ છે. પ્રદર્શન મેદાનની જગ્યા સમથળ કરવાની તેમજ તેમાં જુદા જુદા પ્લોટ પાડવાની કામગીરીનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત દબાણ હટાવ અધિકારી યુવરાજસિંહ ઝાલા તથા સમગ્ર એસ્ટેટ શાખાની ટુકડી ઉપરાંત ટીપીડીપી શાખાની ટીમ દ્વારા પ્રદર્શન મેદાનમાં જમીનની માપણી કરવાની કાર્યવાહી હાથ ધરીને મેળાના ધંધાર્થીઓને પ્લોટની ફાળવણી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત લોકોની સુખાકારી માટે સમગ્ર મેદાનની ફરતે લાઈટની વ્યવસ્થાના ભાગરૂપે વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે. એસ્ટેટ શાખા દ્વારા સમગ્ર મેળાની પ્રક્રિયાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.