જામનગરના ધનાઢ્ય બિલ્ડર મેરામણ પરમારે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર
- પોલીસ દ્વારા તેમજ બિલ્ડર પરિવાર દ્વારા આ બનાવના કારણ અંગે કોઈ ફોડ નહીં પડતા કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો
જામનગર, તા. 10 ઓક્ટોબર 2020, શનિવાર
જામનગરના એક ધનાઢ્ય બિલ્ડર મેરામણ પરમારે ગુરૂવારના રોજ મોડી રાત્રે અકળ કારણોસર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેઓને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને તેઓની પ્રાથમિક સારવાર કર્યા પછી ગઈ કાલે બપોર પછી તેઓને રજા પણ આપી દેવામાં આવી હતી.
આ સમગ્ર બનાવ અંગે પોલીસ દ્વારા કોઇ જાણકારી આપવામાં આવી નથી, તેમજ જી.જી. હોસ્પિટલના પોલીસ સ્ટાફ દ્વારા તેમનું નિવેદન પણ લેવાયો ન હતું, તે પહેલા જ રજા આપી દેવામાં આવી છે.
જી.જી. હોસ્પિટલની પોલીસ ચોકીમાં 7306/20ની એમએલસી નોંધ તરીકે પણ થઈ છે, અને રજા આપી દેવાયા પછી પોતાના ફાર્મહાઉસમાં આરામ કરી રહ્યા છે. જોકે હાલ તેઓની તબિયત સારી છે. પરંતુ તેમણે કયા કારણસર આ પગલું ભર્યું તે અંગે પોલીસ દ્વારા પણ કોઈ જાણકારી અપાઇ નથી. તેમ જ પરિવારે પણ મૌન સેવ્યું હોવાથી આ અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
જામનગર શહેરમાં જમીન મકાનોના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા અને રોલ્સરોય જેવી મોંઘીદાટ ગાડીઓનો કાફલો ધરાવતા અને ખૂબ જ સુખી સંપન્ન એવા બિલ્ડર મેરામણભાઈ પરમાર દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરાયો છે. સમગ્ર જામનગર શહેરમાં અને ખાસ કરીને બિલ્ડર લોબીમાં આ પ્રકરણ ટોક ઓફ ધી ટાઉન બન્યું છે.