Updated: May 24th, 2023
- સાવલી ગામના એક વેપારીની દુકાન પાસે ચેનચાળા કરનાર શખ્સને ઠપકો આપતાં બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો
જામનગર,તા.24 મે 2023,બુધવાર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સાવલી ગામમાં રહેતા એક વેપારીના જૂથ અને અન્ય એક જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને એક યુવાન પર જીવન હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયો છે. પોલીસે બંને પક્ષે સામ સામી ફરિયાદ નોંધી છે, અને સાવલી ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે
આ બનાવની વિગતો એવી છે કે કાલાવડ તાલુકાના સાવલી ગામમાં રહેતા અને ગામમાં અનાજ તથા પરચુરણ માલ સામાનની દુકાન ધરાવતા ગફારભાઈ ઈસ્માઈલભાઇ શમાએ પોતાના ઉપર લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરવા અંગે ગફાર હબીબભાઈ સમા, રેહાના ગફારભાઈ સમા, હબીબ ઇશાકભાઈ સમા અને અમીનાબેન ગફારભાઈ સમા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ગફારભાઈનો પુત્ર રેહાન કે જે ફરિયાદીની દુકાને આવીને અન્ય લોકોની પજવણી કરતો હોવાથી તેને ઠપકો આપતાં તેનું ઉપરાણું લઈને ચારેય આરોપીઓ ધસી આવ્યા હતા, અને હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે.
જ્યારે સામાન પક્ષે ગફારભાઈ હબીબભાઈ શમાએ પોતાના ઉપર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા અંગે ગફાર ઇસ્માઇલ, તેમજ ફિરોજ ઈસ્માઈલ અને અનિશ ઇસ્માઇલ સામે વળતી ફરિયાદ નોંધાવી છે.
જેમાં પોતાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી ફરીયાદી યુવાનને ટાંકા લેવા પડ્યા છે, અને પોલીસે હત્યા પ્રયાસ અંગેની કલમ 307 મુજબ ગુન્હો નોંધ્યો છે. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ વધુ તપાસ ચલાવે છે.