જામનગર : લાલપુરના પડાણા ગામમાં ઢોરવાડામાં બે આખલાની લડાઈમાં એક યુવાને જીવ ગુમાવ્યો
Jamnagar News : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં આવેલા એક ઢોરવાડામાં બે આખલાઓની લડાઈમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. પશુઓને ઘાસચારો આપવા જઈ રહેલા એક યુવાનને ખૂટ્યાએ ઢીંક મારી પછાડી દેતાં હેમરેજ થવાથી મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના રતલામ જીલ્લાનો વતની અને હાલ લાલપુર તાલુકાના પડાણામાં ઢોરવાડામાં કામ કરતો નેપાલભાઈ ભંવરલાલ નાયક નામનો 31 વર્ષનો પરપ્રાંતીય યુવાન ગઈકાલે સવારે 9.30 વાગ્યાના અરસામાં પડાણામાં આવેલા ઢોર વાડામાં પશુઓને ઘાસચારો નાખી રહ્યો હતો, જે દરમિયાન એકાએક બે ખૂંટીયાઓ ઝઘડવા લાગ્યા હતા જેમાં એક ખૂંટિયાએ તેને હડફેટમાં લઈ લીધો હતો, અને તેને ઢીક મારી જમીન પર પછાડી દેતાં માથાના ભાગે હેમરેજ થયું હતું, તેમજ છાતિના ભાગે મૂઢ ઇજા થઈ હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે ચેતારામ બીજારામ દેવાસીએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.