જામજોધપુર-માતાના મઢ રૂટની એસ.ટી.બસ સેવા બંદ કરાતાં મુસાફરોને હાલાકી
image : Filephoto
- નવરાત્રી જેવા અતિ મહત્વના ધાર્મિક તહેવારમાં હાલારના નાગરિકો માટે માતાના મઢ પહોંચવું કપરું બન્યું
જામનગર,તા.25 ઓગસ્ટ 2023,શુક્રવાર જામજોધપુર થી માતાના મઢ વચ્ચે ચાલતી એસ.ટી બસ સેવા છેલ્લા પંદર દિવસથી એસ.ટી વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવતા જામનગર સહિત સમગ્ર હાલાર પંથકના નાગરિકોમાં રોષ ની લાગણી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે નવરાત્રી જેવા અતિ મહત્વના ધાર્મિક તહેવારોમાં ખૂબ મોટી સંખ્યામાં જામજોધપુર-જામનગર સહિત સમગ્ર હાલારના વિસ્તારોમાંથી લોકો માતાના મઢે બહોળી સંખ્યામાં માં આશાપુરાના દર્શન કરવા માટે જતા હોય છે ત્યારે હાલાર તથા કચ્છને જોડતી લાંબા અંતરની આ બસ સેવા એસટી વિભાગ દ્વારા બંધ કરાતા આસ્થાના કેન્દ્ર સમા માતાના મઢ સુધી પહોંચવું લોકો માટે હવે કપરું બન્યું છે. સ્થાનિક નાગરિકો આ બસ સેવા ફરી પૂર્વવત થાય તે માટે રજૂઆત કરી રહ્યા છે.
આ બસ સેવા જામજોધપુરથી સાંજે 7 કલાકે રવાના થઈ રાત્રે 9.30 કલાકે જામનગર અને સવારે 4 વાગે માતાના મઢ પહોંચતી હતી અને જેનો લાભ બહોળી સંખ્યામાં જામજોધપુર સહિત સમગ્ર જામનગર તથા ખંભાળિયા જિલ્લાના નાગરિકો લેતા હતા.પરંતુ અકારણ જ આ મહત્વના રુટ પરની પરિવહન સેવા બંદ કરી દેવાતાં નાગરિકોમાં રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે.