For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈન્સ્ટન્ટ લોન એપ્લિકેશનનાં નામે તોડ કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ

- જામનગર સાયબર ક્રાઈમ સેલની ટીમને સફળતા

Updated: May 1st, 2022

ઈન્સ્ટન્ટ લોન એપ્લિકેશનનાં નામે તોડ કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ- તાઈવાન સુધી ચીટર ગેંગનું પગેરૂં નીકળ્યું : બેંન્ક એકાઉન્ટમાં રૂા.૧૬.૪ર લાખની રકમ સ્થગિત કરાવાઈ

- કર્ણાટકમાં ધામા નાખીને ચીટર ગેંગનાં ત્રણ સાગરિતોને લેપટોપ, મોબાઈલ, સીમકાર્ડ સહિતનાં મુદ્દામાલ સાથે પકડી પાડયા 

જામનગર


જામનગરની સાઇબર ક્રાઇમ સેલની ટિમને સતત બે મહિનાની દોડધામ પછી ચાઈનીઝ ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનના નામે ફ્રોડ અને બ્લેકમેઇલ કરતી આંતરરાજ્ય ગેંગને પકડી પાડવા માટે મોટી સફળતા સાંપડી છે, અને કર્ણાટક રાજ્યમાં ધામ નાખી ઉચ્ચ અભ્યાસ કરતાં ૩ શખ્સોને ઝડપી લીધા છે, અને જામનગર લઈ આવી ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા છે. જેઓ પાસેથી લેપટોપ- મોબાઈલ ફોન-સીમકાર્ડ સહિતનું થોકબંધ સાહિત્ય કબ્જે કર્યું છે, અને ૧૬.૪૨ લાખથી વધુની રકમ ફ્રીજ કરાવી દીધી છે. આ ટોળકીનું પગેરું છેક તાઈવાન સુધી લંબાયેલૂં હોવાનું પણ જાણવા મળ્યું છે.

જામનગરની સાઇબર ક્રાઇમ સેલની ટીમ ના પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. પીઝા તેમજ તેમની ટીમને જામનગર શહેરના અને આસપાસના વિસ્તારના પાંચ યુવાનો તથા ત્રણ યુવતીઓ સહિત આઠ જેટલા વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, અને છેલ્લા બે મહિના દરમિયાન મોબાઇલ ફોનની ચાઈનીઝ ઇનસ્ટંટ એપ્લિકેશન મારફતે ઠગ ટોળકી દ્વારા પોતાને યેન-કેન પ્રકારે પરેશાન કરી નાણાં પડાવી લઇ ફ્રોડ કરતા હોવાનું જણાવાયું હતું.

 જે ફરિયાદ અરજીના અનુસંધાને જામનગરની સાઇબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અને જુદા જુદા એક્સેસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી હતી, અને બે મહિનાની સખત મહેનતના અંતે કર્ણાટક રાજ્ય સુધી તપાસનો દોર લંબાવ્યો હતો.

 જ્યાં સાઇબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા સતત પાંચ દિવસ સુધી ધામા નાખવામાં આવ્યા હતા, અને કર્ણાટક રાજ્યના બેંગલોરમાં રહેતા ભીમસેન હનુમંતાચાર્ય મઠદ (ઉંમર વર્ષ ૩૩), કે જેણે એમ.બી.એ.નો અભ્યાસ કર્યોે છે. તેની અટકાયત કરી લીધી હતી.

આ ઉપરાંત કર્ણાટક રાજ્યના  ચીકમંગલૂંર માં રહેતા અને એમબીએનો અભ્યાસ કરી ચુકેલા મહમદ ઉઝેર શરીફ મકબુલ મોહમ્મદ શરીફની અટકાયત કરી હતી, જ્યારે કર્ણાટક રાજ્યના ચીકબલાપુરના વતની એવા બીએસસીનો અભ્યાસ કરી ચુકેલા માઝઅહમદ શરીફ રહમતુલ્લા શરીફની અટકાયત કરી લીધી હતી.

 જે ત્રણેય શખ્સોને જામનગર લઈ આવ્યા હતા, અને અદાલત સમક્ષ રજૂ કરી તેઓને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાયા છે. પોલીસ દ્વારા તેઓ પાસેથી જુદી જુદી કંપનીના ૧૯ નંગ સીમકાર્ડ,૧ લેપટોપ, ૩ નંગ મોબાઇલ ફોન વગેરે સાહિત્ય કબજે કરી લીધું છે. ઉપરાંત ત્રણેયના જુદા જુદા બેંક એકાઉન્ટમાં ફ્રોડના માધ્યમથી જમા કરેલી ૧૬,૪૨,૨૩૬ ની રકમને ફ્રીઝ કરાવી દીધી છે.

 પોલીસની ઉંડાણપૂર્વકની પૂછપરછ દરમિયાન જાણવા મળતી વિગતો અનુસાર ઉપરોક્ત ટોળકી ચાઈનીઝ ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન બનાવીને બહોળા પ્રમાણમાં વિવિધ સાઇટ્સ ઉપર પ્રસિદ્ધિ કરી અને એપ ઇન્સ્ટોલ થયાની સાથે તમામ એપ્લિકેશન ધારકના ફોન કોન્ટેક્ટ, ગેલેરી, અને અન્ય સંવેદનશીલ માહિતીઓ વિવિધ એક્સેસ મારફતે મેળવી લેતા હતા, ત્યાર પછી એપ્લિકેશન ડાઉનલોડ કરીને બળજબરીથી લોન આપ્યા પછી ગેરકાયદે રીતે ઊંચા વ્યાજ દરો, પ્રોસેસિંગની ફીની બળજબરી પૂર્વક માગણી કરતા હતા, અને રિકવરી કરતા હતા.

 જેના એજન્ટો દ્વારા સેંકડોની સંખ્યામાં સતત કોલ કરીને એપ્લિકેશન ધારકને માનસિક સતામણી કરતા હતા. ઉપરાંત ભોગ બનનારના તમામ કોન્ટેક્ટ ઉપર  લોન ધારક ચીટર છે, ખરાબ ચારિત્રના છે, તેમના પર વિશ્વાસ કરવો નહીં, વગેરે પ્રકારના મેસેજ મોકલી બદનક્ષી કરતા હતા. 

ઉપરાંત ભોગ બનનાર ના ફોટા મોર્ફ કરીને તેમાં પણ અપશબ્દો લખી તમામ કોન્ટેક્ટ ને મોકલી દઈ વિવિધ રીતે તેનો ડેટા લીક કરી દેતા હતા, તેમજ બ્લેકમેલ નો ભોગ બનનાર પાસેથી જુદી જુદી રીતે નાણાં પડાવી લેતા હતા.

 આ પ્રકારની જામનગર પંથકમાંથી કુલ આઠ ફરિયાદ જામનગરની સાઇબર ક્રાઈમ સેલ ને મળી હતી, જે ફરિયાદોના અનુસંધાને ઉપરોક્ત સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી, અને આખરે કર્ણાટક રાજ્યમાં ત્રણ સૂત્રધાર સુધી સાઇબર ક્રાઇમ સેલની ટીમે પહોંચવામાં સફળતા સાંપડી છે.

 ઉપરોક્ત ત્રણેય શખ્સોની ઊંડાણ પૂર્વકની પૂછપરછ દરમિયાન સમગ્ર ફ્રોડનું પગેરૂં તાઇવાન સુધી લંબાયેલું છે.

 તાઇવાન ના મુખ્ય ભેજાબાજો કે જેઓ અગાઉ કર્ણાટક રાજ્યના બેંગ્લોરમાં આવ્યા હતા, અને ઉપરોક્ત ત્રણેય શખ્સોને મળ્યા હતા. જેઓ સાથે મળીને સમગ્ર પ્લાન ઘડાયો છે. જેના આધારે સમગ્ર દેશભરના યુવાઓને લોનના બહાને ફસાવીને બળજબરીપૂર્વક નાણાં પડાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Gujarat