સહારા ઇન્ડિયાની ધુંવાવ ટાઉનશીપની જમીન યથાવત સ્થિતિમાં જાળવી રાખવા વચગાળાનો આદેશ
- સહારા કંપનીએ અન્ય કંપનીને જમીન વેંચવાનો પ્રયાસ કરતાં દેવ ઇન્ફ્રાસ્ટ્રકચરે અદાલતના દ્વાર ખટખટાવ્યા
જામનગર,તા.4 ઓક્ટોબર 2023,બુધવાર
સહારા ઇન્ડિયન કોમર્શીયલ કોર્પોરેશન લીમીટેડ કંપની દ્વારા જામનગરની ભાગોળે ધુંવાવ પાસે અર્વાચીન સુવિધાઓ યુકત ટાઉનશીપ બનાવવાનું આયોજન કરવામાં આવેલું હતું, જે અંતર્ગત કંપનીએ રાજય સરકાર સમક્ષ પ્લાનની મંજૂરી લઇ જુદા-જુદા ખેડૂતો પાસેથી કુલ 156 એકરથી વધુ જમીનની ખરીદી કરી ટાઉનશીપ ઉભી કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી.
તે દરમિયાન આ જમીન શરતભંગના કારણે ખાલસા કરવાનો હુકમ થયો હતો. આ હુકમ સામે સહારા કંપનીએ ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન દાખલ કરી જમીન ખાલસા કરવા સામે મનાઇ હુકમ મેળવ્યો હતો. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતના આદેશના અનુસંધાને આ સહારા કંપનીએ આ જમીન દેવ ઇન્ફ્રાસ્ટ્રકચર નામની પેઢીને વેંચાણ આપવા રજીસ્ટર્ડ એગ્રીમેન્ટ કર્યુ હતું. અને દેવ ઇન્ફ્રાસ્ટ્રકચરે રૂા. ત્રણ કરોડ પચાસ લાખ સુથી પેટે સહારા રિફંડના ખાતામાં જમા કરાવ્યા હતા.
ત્યારબાદ સહારા કંપનીએ આ ટાઉનશીપની સ્કીમ ત્રાહિત કંપનીને વેંચવા પ્રયાસ કરતાં દેવ ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા જામનગરની અદાલતમાં ડો.વી.એચ.કનારા મારફત કરાર પાલન અને મનાઇ હુકમ માટે દાવો દાખલ કરી આ જમીન ત્રાહિત વ્યકિતને વેંચે નહીં અને યથાવત સ્થિતિ જાળવી રાખે તે માટે વચગાળાના મનાઇ હુકમની માંગણી કરવામાં આવી હતી.
જેમાં જામનગરના પાંચમાં એડી.સિનિયર સીવીલ જજે આ ટાઉનશીપ સ્કીમ યથાવત સ્થિતિ જાળવી રાખવા વચગાળાનો મનાઇ હુકમ કર્યો છે.
આ કેસમાં દેવ ઇન્ફ્રાસ્ટ્રકચર વતી જામનગરના ધારાશાસ્ત્રી ડો.વી.એચ.કનારા અને શ્રધ્ધા કનારા રોકાયા હતા.