સમુદ્રી યોધ્ધાઓનું નિર્માણ કરવામાં INS વાલસુરા સર્વશ્રેષ્ઠ : રાષ્ટ્રપતિ
- INS વાલસુરાએ ભૂકંપ બાદ કર્યું'તું મોડા ગામનું પુનઃ નિર્માણ
- વાલસુરાએ 15 મિત્ર દેશોના નૌકાદળને પણ તાલીમ આપી છે : રામનાથ કોવિંદ
- ભારતીય નૌકાદળની વાલસુરા સ્થિત તાલીમી સંસ્થાને રાષ્ટ્રતિના હસ્તે પ્રેસિડેન્ટ કલર એવોર્ડ એનાયત : નેવીની ૨૪ ટુકડીઓ દ્વારા અપાયું ગાર્ડ ઓફ ઓનર
'ભારતીય નૌકાદળની વાલસુરા સ્થિત તાલીમી સંસ્થાએ સમુદ્રી યોદ્ધાઓના નિર્માણમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે' તેમ કહી આજ રોજ અહીં વાલસુરા ખાતે પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતીય નૌકાદળનાં નિશાન અધિકારી લેફ્ટન્ટન્ટ અરૂણસિંહ આંબ્યાલને એનાયત કર્યો હતો. નેવીની ૨૪ ટુકડીઓના ૧૫૦ જવાનો દ્વારા રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યા બાદ આયોજિત જાજરમાન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વાલસુરાની ભારતીય નૌકાદળની તાલીમી સંસ્થાના ૭૯ વર્ષની કામગીરીની ભરપુર પ્રસંશા કરી વાલસુરાની તાલીમી સંસ્થાએ ભારત ઉપરાંત ૧૫ મિત્ર દેશોના નૌકાદળના ૧૮૦૦ તાલીમાર્થીઓેને પણ સમુદ્રી યોદ્ધાની તાલીમ માટે તૈયાર કર્યા હોવાનું જણાવ્યું હતું.
શાંતિ અને યુદ્ધ બંનેમાં રાષ્ટ્રને આપેલી અસાધારણ સેવાની માન્યતામાં લશ્કરી એકમને રાષ્ટ્રપતિનું નિશાન આપવામાં આવે છે. ભારતીય નૌકાદળએ પ્રથમ ભારતીય સશ દળ હતું, જેને અગાઉ ૨૭ મે ૧૯૫૧ના રોજ ડા.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રેસિડેન્ટસ કલર એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજ રોજ જામનગર નજીક આવેલા નૌકાદળની તાલીમી સંસ્થામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પ્રસિડેન્ટ્સ કલર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પ્રસંગોચિત ઉદબોધન કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની પ્રગતિ સાથે ગતિ જાળવી રાખવા ઉપરાંત વધુને વધુ જટિલ શો અને ઈલેક્ટ્રોનિક સિસ્ટમ્સની લડાઈ યોગ્યતા જાળવવા અને સુનિશ્ચિત કરવા માટે ભારતીય નૌકાદળ હંમેશા આગળ રહ્યું છે.
વધુમાં તેઓને જણાવ્યું હતું કે INS વાલસુરા મૈત્રીપૂર્ણ વિદેશી નૌકાદળ માટે પસંદગીના તાલીમ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. ૧૫ મિત્રદેશોના નૌકાદળના ૧૮૦૦ તાલીમાર્થીઓને આ સંસ્થામાંથી તાલીમ આપવામાં આવી છે.
આ સીમાચિહ્ન ઘટના પર, ભારતના રાષ્ટ્રપતિએ INS વાલસુરાના અધિકારીઓ અને ખલાસીઓને દરિયાઈ સરહદોની સુરક્ષા માટે તેમની વ્યાવસાયિકતા અને સમર્પણની પ્રશંસા કરી હતી. તેમણે INS વાલસુરાના જવાનોને ભૂતકાળ અને વર્તમાન એમ બંને રીતે છેલ્લા ૭૯ વર્ષથી રાષ્ટ્રને આપેલી સરાહનીય સેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે બોલતા, તેમણે રાષ્ટ્રીય ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા અને સક્ષમ સમુદ્રી યોદ્ધાઓનું નિર્માણ કરવા માટે વાલસુરા દ્વારા કરાતા સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી.
વધુમાં તેઓએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં 'પ્રિફર્ડ સિક્યુરિટી પાર્ટનર' તરીકે ભારતીય નૌકાદળની મહત્વપૂર્ણ ભૂમિકા પર વધુ પ્રકાશ પાડયો હતો અને નૌસૈનિકોને રાષ્ટ્ર માટે તેમની નિઃસ્વાર્થ અને સમપત સેવા ચાલુ રાખવા અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિએ INS વાલસુરાના તમામ કર્મચારીઓને ઝડપથી બદલાતી ટેકનોલોજીના યુગમાં વધુ ઊંચાઈ સુધી પહોંચવા માટે પ્રોત્સાહિત કરી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગની યાદમાં રાષ્ટ્રપતિશ્રી દ્વારા એક ખાસ પોસ્ટલ કવર બહાર પાડવામાં આવ્યું હતું. તેમજ વાલસુરાના ઇતિહાસની ગૌરવપૂર્ણ ગાથા રજૂ કરતી મેમોરેટીવ બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. સમારોહ પૂર્વે નેવીની ૨૪ ટુકડીઓના ૧૫૦ જવાનોદ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ગાર્ડ ઓફ ઓનર આપી વિશેષ પરેડ યોજવામાં આવી હતી.
નૌકાદળની તાલીમી સંસ્થામાં ચાલતા ૨૬૨ અભ્યાસક્રમો
INS વાલસુરાએ ભૂકંપ બાદ કર્યું'તું મોડા ગામનું પુનઃ નિર્માણ
દર વર્ષે ૭૫૦થી વધુ અધિકારીઓ અને ૪૨૦૦ ખલાસીઓને આપવામાં આવે છે નૌકાદળની તાલીમ
સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી આફતોના સમયમાં લોકોને મદદરૂપ થવામાં આઈ.એન.એસ. વાલસુરાની પ્રવૃતિ સરાહનીય રહી છે. વર્ષ ૨૦૦૧ના ભુકંપ બાદ નૌકાદળનાં જવાનોએ નજીકનાં મોડા ગામનાં પુનઃ નિર્માણમાં મહત્વનો ફાળો આપ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૨૧માં પુરની આફત દરમિયાન ૪૦૦ નાગરીકોને બચાવવામાં મહત્વની ભુમિકા ભજવી હતી.
આજે જામનગર આવી પહોંચેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું એરપોર્ટ ઉપર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યા બાદ ગુજરાત રાજયનાં ગર્વનર આચાર્ય દેવવ્રત, ભારતીય નૌ સેનાના વડા એડમિરલ આર.હરીકૂમાર સધર્ન નેવલ કમાન્ડના ફલેગ ઓફિસર વાઈસ એડમિરલ એમ.એમ. હમ્પી હોલી કોમોડોર શ્રી ગૌતમ મારવાહ તથા લશ્કરનાં ત્રણે'ય પાંખના વરીષ્ઠ અધિકારીઓ સહિત પદાધિકારીઓ અને સ્થાનિક અધિકારીઓ રાષ્ટ્રપતિના આગમન સમયે ઉપસ્થિત રહ્યા હતાં.
આજના પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ આઈએનએસ વાલસુરાની કામગીરીની ઝલક આપી જણાવ્યું હતું કે, અહી નૌકાદળની તાલીમી સંસ્થા દ્વારા ૨૬૨થી વધુ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. ૭૫૦ થી વધુ અધિકારીઓ અને ૪૨૦૦ ખલાસીઓને વાર્ષિક તાલીમ આપવામાં આવે છે.