જામનગરમાં પાણી ભરતી વખતે પડીને ઇજાગ્રસ્ત બનેલી યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ
જામનગર, તા. 14 એપ્રિલ 2020 મંગળવાર
જામનગરમાં કિશાન ચોક વિસ્તારમાં રહેતી એક યુવતી પોતાના ઘેર સાત દિવસ પહેલા પાણી ભરવા જતાં લપસી જવાના કારણે પડી ગઈ હતી અને ઇજાગ્રસ્ત બની હતી. જે યુવતીને ગઈકાલે દુખાવો થતા સારવાર માં લઇ ગયા પછી તેણીનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કિશાન ચોક વિસ્તારમાં રહેતી નિશાબેન ગોપાલભાઈ વાઘેલા નામની ૩૫ વર્ષની યુવતી આજથી સાત દિવસ પહેલા પોતાના ઘેર પાણી ભરી રહી હતી જે દરમિયાન અકસ્માતે તેનો પગ લપસી જતા પડી ગઈ હતી અને પગમાં ઇજા થઇ હતી.
જેને ગઈકાલે એકાએક દુખાવો ઉપડ્યો હતો અને શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર માટે જી.જી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે સીટી એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.