જૂનાગઢ મહાપાલિકામાં ભાજપના નગરસેવકે મંજીરા વગાડીને તંત્રને ઢંઢોળવા પ્રયાસ કર્યો
વોર્ડ નં. 10 વિસ્તારના પાણી પ્રશ્ને નવતર વિરોધ ભાજપ શાસિત મહાપાલિકાની વોટર વર્ક્સ શાખા સામે ભાજપના જ નગરસેવકે અનોખો વિરોધ કર્યો છતાં કોઈએ દરકાર પણ ન લીધી
જૂનાગઢ, : જૂનાગઢનાં વોર્ડ નં. 10 વિસ્તારના પાણી પ્રશ્ને આજે બપોરે ભાજપના નગરસેવકે વોટર વર્ક્સ શાખા સામે મંજીરા વગાડી અનોખો વિરોધ કર્યો હતો. પરંતુ મનપાના કોઈ અધિકારી કે કર્મચારીએ નગરસેવક શા માટે આવો વિરોધ કરી રહ્યા છે તે જાણવાની પણ તસ્દી લીધી ન હતી. શાસક પક્ષના નગરસેવકની આ હાલત હોય તો મનપા દ્વારા સામાન્ય લોકો સાથે કેવુ વર્તન કરતી હશે, તે સમજી શકાય તેમ છે.
જૂનાગઢનાં વોર્ડ નં. 10માં આવેલા વાનંદ ગલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે. એકાંતરા પાણી પણ આવતું નથી. આ વિસ્તારમાં ઘર પાસે ખાડા કર્યાં તેમાં નળ છે તેમાં પાણી આવતું ત્યારે તેમાંથી ભરતા હતા. પરંતુ પાણી ન આવતા હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં કફોડી હાલત ઉભી થઇ હતી. આ ઉપરાંત અંબિકાચોક નજીક આવેલા રૂપાલી એપાર્ટમેન્ટ પાસે મનપાનો બોર છે. તેની મોટર ખરાબ થઈ ગઈ હતી. આથી મનપાની વોટર વર્ક્સ શાખાનો સ્ટાફ ત્રણ દિવસથી મોટર કાઢીને લઈ ગયા હતા. ત્રણ દિવસ થવા છતાં મોટર ન આવતા લોકોને પાણી વિના હેરાન થવું પડયું હતું.
આ મામલે મનપાના વોટર વર્ક્સ ઇજનેરને વોર્ડ નં.૧૦ના નગરસેવક હિતેન્દ્રભાઈ ઉદાણીએ રજુઆત કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન થતા આજે બપોરે મનપામાં વોટર વર્ક્સ શાખા બહાર મંજીરા વગાડી અનોખો વિરોધ કરી તંત્રને ઢંઢોળવા પ્રયાસ કર્યો હતો. ભાજપ શાસિત મનપામાં ભાજપના જ નગરસેવકે અનોખો વિરોધ કર્યો છતાં મનપાના કોઈ અધિકારી કે કર્મચારીએ કોઈ દરકાર પણ લીધી ન હતી.
આ અંગે નગરસેવકે હિતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે પાણી મુદે લોકોની ફરિયાદ મળતા રજુઆત કરી હતી. પરંતુ તેનું નિરાકરણ ન થતા આજે આ વિરોધ કર્યો હતો. ટૂંક સમયમાં આ મુદ્દે કોઈ કાર્યવાહી નહિ થાય તો વિસ્તારના લોકોને સાથે આંદોલન કરવામાં આવશે. મનપાના તમામ 15 વોર્ડમાં પાણીની સમસ્યા માટે એક કમિટી બનાવવામાં આવે અને મોટર સ્પેરમાં રાખવામાં આવે અથવા મોટર બગડી ગઈ હોય તો એક દિવસમાં જ રીપેર કરવામાં આવે એવી માંગ કરી હતી.
ભાજપના નગરસેવકે પાણી મુદે મનપાની વોટર વર્ક્સ શાખા સામે મંજીરા વગાડી અનોખો વિરોધ કરવો પડયો હતો છતાં તેની મનપાના કોઈ અધિકારીએ કે કર્મચારીએ દરકાર પણ લીધી ન હતી. આથી સામાન્ય વ્યક્તિ રજુઆત કરવા જાય તો તેની સાથે કેવો વ્યવહાર થતો હશે, તે આ ઘટના પરથી સમજી શકાય છે.