જામજોધપુર તાલુકાના જામવાડી ગામ માં બાર વર્ષના બાળક ની ઝેરી દવા પી લઇ આત્મહત્યા
- નાના ભાઈને થયેલી ઇજા અંગે પિતાએ ઠપકો આપતા માઠું લાગવાથી ઝેર પી મોત ને મીઠું કર્યુ
જામનગર, તા. 02 મે 2020, શુનિવાર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના જામવાડી ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના ૧૨ વર્ષના બાળકે પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. નાના ભાઈને પડી જતાં ઈજા થઈ હોવાથી પિતાએ તેનું ધ્યાન રાખવા બાબતે ઠપકો આપતા ગુસ્સામાં આવી જઈ ઝેર પી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના જામવાડી ગામ માં બાબુભાઈ નાથાભાઈ ની વાડી માં રહીને ખેત મજૂરી કામ કરતાં મધ્ય પ્રદેશના વતની મનીષભાઈ ભુરાભાઈ ભીલ નામના શ્રમિક ના બાર વર્ષના પુત્ર સંજય મનીષભાઈએ ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નિપજયું છે.
આ બનાવ અંગે મૃતકના પિતા મનીષ ભુરાભાઈ એ પોલીસને જાણ કરતા જામજોધપુર પોલીસે બાળકના મૃતદેહને કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દરમિયાન આત્મહત્યાનો પ્રયાસ કરી લેનાર સંજય અને તેનાથી નાના ભાઈ ગણેશ બંને ઘરે હતા ત્યારે પડી જતા નાનાભાઈ ગણેશ ને કપાળમાં ઈજા થઈ હતી. જેથી પિતા મનીષભાઈએ સંજય ને ઠપકો આપી તારે નાનાભાઈ નું ધ્યાન રાખવું જોઇએ તેવું કહેતા માઠું લાગવાથી આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.