FOLLOW US

જામનગરના રામેશ્વર નગરમાં રેકડી ચાલક પર જૂની અદાવતના કારણે લોખંડના પાઇપ વડે હુમલો

Updated: Mar 19th, 2023


જુનો કોર્ટ કેસ પાછો ખેંચી લેવા માટે આરોપીએ દબાણ કરતાં ઇન્કાર કરવાથી ઉશ્કેરાયેલા શખ્સે હુમલો કર્યો

જામનગર, તા. 19 માર્ચ 2023 રવિવાર

જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં નાસ્તાની રેકડી ચલાવતા એક યુવાન પર જૂની અદાવત ના કારણે એક શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. અગાઉ કરેલો કેસ કોર્ટમાંથી પાછો ખેંચી લેવા માટે દબાણ કરી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દ્વારકેશ પાર્ક સોસાયટીમાં રહેતા અને રામેશ્વર નગર વિસ્તારમાં નોનવેજ નાસ્તાની રેકડી ચલાવતા ભગવતસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના 40 વર્ષના યુવાને પોતાના ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી ફ્રેકચર સહિતની ઇજા પહોંચાડવા અંગે તે જ વિસ્તારમાં રહેતા બળવંતસિંહ ઉર્ફે લાલિયો સાહેબજી જાડેજા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે તેને જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.

ફરિયાદીએ જાહેર કર્યા અનુસાર ફરિયાદીના પિતા મહેન્દ્રસિંહ ઝાલા કે જેની સાથે આરોપી બળવંતસિંહ ઉર્ફે લાલિયાને તકરાર થઈ હતી, અને આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.જે અંગેનો કે અદાલતમાં ચાલી રહ્યો છે.

જે કેસ પાછો ખેંચી લેવા માટે આરોપીએ આવી દબાણ કર્યું હતું, પરંતુ કેસ પાછો ખેંચવાનો ઇનકાર કરી દેતાં આરોપી ઉશ્કેરાયો હતો, અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે ફરાર થઈ ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Gujarat
Magazines