Get The App

જામનગરમાં લોકડાઉનનો ભંગ કરનારાઓ સામે પોલીસ તંત્ર આકરા પાણીએ

- ગઈકાલે વધુ ચોવીસ એફ.આઇ.આર. દાખલ કરાઈ: 131 લોકોની અટકાયત

- વિના કારણે ઘરની બહાર નીકળેલા લોકોના 287 વાહનો ડીટેન કરાયા

Updated: Apr 5th, 2020

GS TEAM

Google News
Google News
જામનગરમાં લોકડાઉનનો ભંગ કરનારાઓ સામે પોલીસ તંત્ર આકરા પાણીએ 1 - image

જામનગર, તા. 05 એપ્રીલ 2020, રવિવાર

જામનગર શહેરમાં લોક ડાઉનનો અમલ ચાલી રહ્યો છે. પરંતુ હજુ સુધી પણ પ્રજા માં કોઈ બદલાવ આવતો નથી અને કેટલાક લોકો વિના કારણે ઘરની બહાર નીકળી રહ્યા છે અથવા તો સોસાયટી- મહોલ્લા માં ટોળા સ્વરૂપે એકત્ર થયેલા જોવા મળે છે. જેને લઇને પોલીસે સખ્તાઈથી કામ લીધું છે. સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરા ની મદદ લઇ તેમજ જુદી જુદી ટુકડીઓ દ્વારા ગઇકાલે એક જ દિવસમાં કુલ 24 એફઆઈઆર નોંધવામાં આવી છે અને 131 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. સમગ્ર દિવસ દરમિયાન ફુલ 287 વાહનો ડિટેઇન કરી લેવામાં આવ્યા છે.

જામનગર શહેર અને જિલ્લામાં લોક ડાઉન ચાલી રહ્યું છે. પરંતુ કેટલાક લોકો વહીવટી તંત્રની અનેક વખતની વિનંતી છતાં પણ વિના કારણે ઘરથી બહાર નીકળી રહ્યા છે. જામનગર શહેરમાં ગઈકાલે અલગ અલગ વિસ્તારોમાં વિના કારણે ઘરની બહાર નીકળેલા 287 લોકોના વાહનો ડિટેઇન કરી લીધા છે. હાલમાં જામનગરના જુદા જુદા પોલીસ મથકોમાં 1500થી વધુ વાહનો ડિટેઇન કરીને રાખવામાં આવ્યા છે. અને તમામ જગ્યાએ ટુ વ્હીલરના થપ્પા લાગી ગયા છે. પરંતુ પ્રજાજનોમાં કોઈ બદલાવ આવતો નથી. જેથી પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત જામનગર શહેરના જુદા જુદા વિસ્તારો શેરી- ગલી- મહોલ્લાઓ અથવા એપાર્ટમેન્ટ ના પાર્કિંગ વગેરે સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇને ટોળે વળી રહ્યા છે, અથવા તો ગપ્પા મારી રહ્યા છે. આવા લોકો સામે પણ પોલીસે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે. જામનગર શહેરના જુદા જુદા માર્ગો ઉપર લગાવેલા સીસીટીવી કેમેરાઓ ઉપરાંત શહેરના અલગ-અલગ વિસ્તારમાં પાંચ જેટલા ડ્રોન કેમેરાઓ ની મદદથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

જેના ભાગરૂપે ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાંથી 131 લોકોને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યા છે. જે તમામ સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ અંગેની અલગ અલગ 24 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આજે રવિવારના દિવસે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને ઠેરઠેર વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
Tags :