જામનગરમાં મહિલા કોર્પોરેટરના ભાઈ અને તેના સાગરીતે પોલીસ સામે જોહુકમી કરી
- ખોજા નાકા વિસ્તારમા ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ કરવા અંગે બન્ને સામે ગુનો નોંધાયો
જામનગર, તા. 18 મે 2020 સોમવાર
જામનગરમાં ખોજાનાકા બહારના વિસ્તારને કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો છે અને તે વિસ્તારમાં પોલીસ દ્વારા ફરજ બજાવવામાં આવી રહી છે. દરમિયાન સ્થાનિક નગરસેવિકાના ભાઈ અને તેના એક સાગરિતે રોફ જમાવી પોલીસ ફરજ પર રહેલા કર્મચારી સાથે અણછાજતું વર્તન કરી ફરજમાં રૂકાવટ કરતા બંને સામે ગુનો નોંધાયો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના વોર્ડ નંબર 12ના મહિલા નગરસેવિકા જૈનબબેન ખફીનો ભાઈ હુશેન ખફી અને તેનો એક સાગરિત ગઈકાલે રાત્રિના સવા આગિયારેક વાગ્યાના અરસામાં કન્ટેઇન્ટમેન્ટ એરીયા ના ખોજાનાકા વિસ્તારમાંથી વિના કારણે મોટરસાયકલ પર બેસીને ઘરની બહાર નીકળી રહ્યા હતા. અને જાહેરનામાનો ભંગ કરી રહ્યા હતા.
જે દરમિયાન ઉપરોક્ત વિસ્તારમાં પોઇન્ટ ઉપર ફરજ બજાવી રહેલા લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ કનુભાઈ દ્વારા તેઓને અટકાવવાનો પ્રયત્ન કરતા બંનેએ જીભાજોડી અને તકરાર કરી હતી તેમજ ફરજ પર રહેલા પોલીસ કર્મચારી સાથે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરી તેઓની ફરજમાં રૂકાવટ કરી હતી.
આ મામલે પોલીસ કર્મચારી વિપુલભાઈ દ્વારા સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં બંને સામે ફરિયાદ નોંધાવતા સીટી એ ડીવીઝન પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે.