જામનગરમાં જાહેરનામાનો ભંગ કરીને કામ વિના બહાર નીકળેલા 35ને રાઉન્ડઅપ કરાયા
- એલસીબી દ્વારા શહેરના વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથ ધરી બે વેપારીઓ સહિત 35ની કરાઈ અટકાયત
જામનગર, તા. 26 માર્ચ 2020, ગુરુવાર
જામનગર તા ૨૬ જામનગર શહેરમાં લોક ડાઉન ચાલુ રહ્યું છે. અને જિલ્લા કલેકટરના જાહેરનામાની અમલવારી થઇ રહી છે. ત્યારે ચારથી વધુ વ્યક્તિઓએ એકઠા થવા ઉપર પ્રતિબંધ છે. અને લોકોને ઘરમાં રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં પણ કેટલાક લોકો ગલી મહોલ્લાઓ માં ચારથી વધુ એકત્ર થઇ ને બહાર નીકળી રહ્યા છે. જેની સામે એલસીબીની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે. જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 35 જેટલા શખ્સોને રાઉન્ડઅપ કરી લીધા છે. અને તેઓ સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુના નોંધાયા છે. જેમાં બે વેપારીઓ નો પણ સમાવેશ થાય છે.
જામનગર શહેરમાં હાલમાં લોકડાઉન ચાલુ રહ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા લોકોને ઘરમાં રહેવા માટેની સૂચના અપાઇ છે. તેમજ ચારથી વધુ લોકોએ એકત્ર ન થવા પણ સૂચના અપાઇ છે. તેમ છતાં પણ કેટલાક લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. શેરી મહોલ્લાઓ માં લોકો ટોળા સ્વરૂપે ઉભા રહે છે, તેવી માહિતી મળતા જિલ્લા પોલીસ વડા ની સૂચનાથી જામનગરની એલસીબીની ટીમ ચાર જેટલા અત્યાધુનિક પોલીસ બાઈક તથા બે બોલેરો જીપ સહિતના વાહનોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું અને આવા ૩૫ જેટલા શખ્સોને રાઉન્ડઅપ કરી લીધા છે.
જામનગર શહેરમાં ગુરુદ્વારા ચોકડી, અંબર ચોકડી, વિકાસ ગૃહ રોડ સહિતના વિસ્તારોમાં તેમ જ દીગવિજય પ્લોટ સહિતના વિસ્તારોમાં રાઉન્ડ લગાવ્યા હતા. સાથોસાથ કેટલીક શેરી ગલીઓમાં પણ પેટ્રોલિંગ કરી જાહેરમાં ચારથી વધુ એકત્ર થનારા કુલ ૩૫ જેટલા શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે.
જેમાં પરેશ રસિકભાઈ મકવાણા નામનો શખ્સ જાહેરનામાના અમલ દરમિયાન કાપડની દુકાન ચાલુ રાખી ને જોવા મળ્યો હતો. જ્યારે સોયબ રફિકભાઈ નામનો વેપારી ફુલ ની દુકાન ખુલ્લી રાખીને જોવા મળ્યો હતો. જે બંનેની પણ અટકાયત કરી લેવામાં આવી છે. તમામ ૩૫ શખ્સોને સિટી એ તથા બી ડિવિઝન પોલીસ મથકમાં સુપરત કરી દેવામાં આવ્યા છે. અને તેઓને સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ ની કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.