જોડીયા તાલુકાના બાલાચડી ગામમાં ત્રણ હજાર રૂપિયાની ઉઘરાણીના પ્રશ્ને યુવાન પર હુમલો: 3 શખ્સોએ હાથ પગ ભાંગી નાખ્યા
જામનગર, તા. 19 માર્ચ 2023 રવિવાર
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલાચડી ગામમાં રહેતા એક યુવાન પર ૩,૦૦૦ રૂપિયાની ઉઘરાણીના પ્રશ્નો હુમલો કરાયો છે, અને ત્રણ શખ્સોએ લાકડાના ધોકા અને લોખંડના પાઈપ વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ બાલાચડી ગામના વતની અને હાલ ગુલાબનગરમાં રહેતા ઈબ્રાહીમભાઇ અકબરભાઈ વાઘેર નામના ૩૩ વર્ષના વાઘેર યુવાને પોતાના ઉપર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખવા અંગે બાલાચડીમાં રહેતા ફારુક હુસેનભાઇ ચાવડા, સાહિલ ફારુકભાઈ ચાવડા અને જાવીદ તાલભભાઈ નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવાને આરોપી ફારૂક પાસે અગાઉ ૧૬,૦૦૦ રૂપિયા ઉછીના લીધા હતા, જે પૈકી ૧૩,૦૦૦ રૂપિયા પરત કરી દીધા હતા, પરંતુ ૩,૦૦૦ રૂપિયા ચૂકવવાના બાકી હતા.
જેની ઉઘરાણી કરવા માટે આરોપી આવતાં હાલમાં પૈસા નથી તેમ કહ્યું હોવાથી આરોપી ફારુક અને સાહિલ તથા જાવીદ ઉસ્કેરાયા હતા, અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.