Get The App

જામનગર જિલ્લામાં હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયા પછી અનરાધાર મેઘવૃષ્ટિ

Updated: Jul 12th, 2022

GS TEAM


Google News
Google News
જામનગર જિલ્લામાં હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયા પછી અનરાધાર મેઘવૃષ્ટિ 1 - image


- સમગ્ર જિલ્લામાં એક થી છ ઇંચ સાર્વત્રિક વરસાદથી ચોમેર પાણી પાણી: અનેક જળાશયોમાં નવા નીર આવ્યા

જામનગર,તા.12 જુલાઈ 2022,મંગળવાર

જામનગર શહેર અને જિલ્લામાં આખરે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, અને ધીંગી મેઘ સવારી થઈ રહી છે. સમગ્ર જિલ્લામાં એક થી સાડા છ ઇંચ સુધી ભારે વરસાદ પડી રહ્યો છે, અને હવામાન ખાતા દ્વારા આગામી ૨૪ કલાક માટે રેડ એલર્ટ જારી કરાયું હોવાથી વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે. ૨૪ કલાકના વરસાદને લઈને જામનગર જિલ્લાના ૨૫ જળા શયો પૈકી ૧૯ ડેમમાં નવા પાણી આવ્યા છે. જેથી જિલ્લા ની જનતા ખુશખુશાલ બની છે.

 જામનગર શહેરમાં ગઈકાલે રાત્રિના આઠ વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, અને આખી રાત વરસાદ ચાલુ રહ્યો છે. તેમ જ આજે પણ સવારથી એક ધારો વરસાદ વરસી રહ્યો છે. અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગરમાં પાંચ ઇંચ પાણી પડી ગયું છે. ઉપરાંત હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઈ હોવાથી જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર તેમજ મહાનગરપાલિકાનું તંત્ર પણ સતર્ક બન્યું છે.

 જામનગર જિલ્લાના જોડીયામાં આજે પણ અવિરત મેઘ સવારી ચાલુ જ રહી હતી. ગઈકાલે સવારથી આજે બપોર સુધીના સમયગાળા દરમિયાન સાડા છ ઇંચ જેવો ભારે વરસાદ પડી ગયાના અહેવાલો મળ્યા છે. જોડિયાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે બે કાચા મકાનો ધસી પડ્યાના પણ અહેવાલો મળી રહ્યા છે.

 જામનગર જિલ્લાના ધ્રોલમાં પણ ભારે મેઘસવારી જોવા મળી છે, અને ૬ ઇંચ વરસાદ પડી ગયા ના અહેવાલો પ્રાપ્ત થયા છે. કાલાવડમાં પણ ગઈકાલે સવારથી આજે ૨૪ કલાક સુધીના સમયગાળા દરમિયાન ત્રણ ઇંચ વરસાદ થયો છે. જ્યારે લાલપુરમાં એક ઇંચ પાણી પડ્યું છે. જામજોધપુરમાં મેઘરાજાની ગતિ થોડી ધીમી પડી હતી.

જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે કલેકટર દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું

જામનગર તા ૧૨, જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રાત્રે થી વરસાદ શરૂ થયો છે, અને હજુ ૨૪ કલાક સુધી ભારે વરસાદ પડી શકે છે, તેવું હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે, ત્યારે જામનગરના જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર જિલ્લાની જનતાને સલામત સ્થળે રહેવા માટે અને તકેદારી રાખવા તાકીદ કરાઇ છે.

જામનગર જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા જામનગર જિલ્લાની જાહેર જનતાને અપાયેલા સંદેશા અનુસાર  ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી તા.૧૨.૦૭.૨૦૨૨ ના સવારે ૮.૩૦ કલાકથી તા.૧૩.૦૭.૨૦૨૨ ના રોજ સવારે ૮.૩૦ કલાક સુઘી સમગ્ર જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. જેથી લોકોને નદીપટૃ વિસ્તારમાં તેમજ ડેમની આજુબાજુનાં વિસ્તારમાં અવરજવર ન કરવા તેમજ જરૂરી સતર્કતા રાખવા અને બિનજરૂરી પ્રવાસ ન કરવા તથા કોઈ દુર્ઘટના/ બનાવ બને તો તેની તાત્કાલીક જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમ ખાતે ફોન નં.૦ર૮૮-રપપ૩૪૦૪ ઉપર જાણ કરવા અનૂરોધ કરવામાં આવ્યો છે.

Tags :