હેપ્પી બર્થ ડે ટુ જામનગર: 481 મા સ્થાપના દિનની કરાઈ ઉજવણી
- શહેરની સ્થાપના વખતે રોપાયેલી ખાંભીનું પૂજન
- માજી રાજવીની પ્રતિમાઓનો પુષ્પાંજલિ અર્પણ
જામનગર તા. 27 જુલાઈ, 2020, સોમવાર
જામનગર(નવાનગર) ની સ્થાપના ના ૪૮૧ મા જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. રાજપૂત યુવા સંઘ તેમજ નગરના પદાધિકારીઓ દ્વારા ખાંભી નું પૂજન કરાયું તથા માજી રાજવી ની પ્રતિમાઓ ને પણ પુષ્પંજલિ અર્પણ કરી લાખોટા નાં નવા નીર ને વધાવ્યા હતા.
નવાનગર જામનગર નો આજે શ્રાવણ શુદ સાતમના દિવસે સ્થાપના દિવસ છે અને જામનગર ની સ્થાપના ને ૪૮૦ વર્ષ પૂર્ણ થયા છે અને આજે ૪૮૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે, ત્યારે શહેરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરના પ્રથમ નાગરિક, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તથા અન્ય પદાધિકારીઓ ઉપરાંત મહાનગરપાલિકાના અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં દરબારગઢ પાસે આવેલા દિલાવર સ્ટોરમાં જામનગરની સ્થાપના વખતે ની ખાંભી આવેલી છે, ત્યાં પૂજન કરવામાં આવ્યું હતું, અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાયેલું રહે, તે રીતે પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
આ ઉપરાંત જામનગર ના સ્થાપના દિન નિમિત્તે દર વર્ષની જેમ જામનગર શહેર જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા નવાનગર રાજ્યની સ્થાપના સમયે રોપેલી થાંભલીનું પૂજન મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ દરબાર ગઢ ખાતે થાંભલી નું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ લાખોટા તળાવ પરિસર મા સ્થાપિત જામશ્રી રાવળજી,જામશ્રી રણજીતસિંહજી,
જામશ્રી દિગ્વિજયસિંહજી તેમજ લાલ બંગલા સર્કલ મા આવેલી જનરલ રાજેન્દ્રસિંહજી ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત જામનગર ની શાન સમા લાખેણા લાખોટા તળાવમાં પણ પ્રથમ વરસાદે નવા નીર આવ્યા હોવાથી તમામ અગ્રણીઓ દ્વારા પુષ્પાંજલિ કરી નવા નીરને વધાવ્યા હતા.