Jamnagar

જામનગરના નવાગામ ઘેડમાં સમાધાન માટે ભેગા થયેલા બે જૂથો વચ્ચે હથિયાર ઊછળ્યા : ત્રણ યુવાનો લોહીલુહાણ!

By GS Team
19 Oct 20264 mins read
TukuTouch Logo
જામનગરના નવાગામ ઘેડમાં ગરબી જોવા જતી વખતે થયેલી બોલાચાલીનું સમાધાન કરાવવા ભેગા થયેલા બે જૂથો વચ્ચે મોડી રાત્રે લોહિયાળ ધીંગાણું થયું હતું. હનુમાન મંદિર નજીક લોખંડના પાઇપ, પાવડાના હાથા અને લાકડાના ધોકા વડે સામસામા હુમલા કરાયા. જેમાં બંને પક્ષના 3 યુવાનોને માથાના ભાગે ઇજાઓ પહોંચી, એકને 14 ટાંકા આવ્યા. સિટી બી-ડિવિઝન પોલીસે 7 શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના નવાગામ ઘેડમાં સમાધાન માટે ભેગા થયેલા બે જૂથો વચ્ચે હથિયાર ઊછળ્યા : ત્રણ યુવાનો લોહીલુહાણ!

Jamnagar Crime : જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં ગરબી જોવા જતી વખતે થયેલી સામાન્ય બોલાચાલીનું સમાધાન કરાવવાના પ્રયાસ દરમિયાન બે જૂથો વચ્ચે ઉગ્ર તકરાર થતાં મામલો લોહિયાળ ધીંગાણામાં પરિણમ્યો હતો. હનુમાન મંદિર નજીક મોડી રાત્રે સમાધાન માટે એકત્ર થયેલા બંને પક્ષના લોકો વચ્ચે બોલાચાલી બાદ લોખંડના પાઇપ, પાવડાના હાથા અને લાકડાના ધોકા વડે સામસામા હુમલા થયાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદો નોંધાવવામાં આવી છે. આ અથડામણમાં બંને પક્ષના ત્રણ યુવાનોને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેમાં એક યુવાનને 14 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. બનાવ અંગે સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં બંને પક્ષની સામસામી ફરિયાદોના આધારે કુલ 7 શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ ફરિયાદની વિગતો મુજબ, નવાગામ ઘેડ વિસ્તારમાં હનુમાન ચોક નજીક મહાકાળી મંદિર પાસે રહેતા અને મજૂરીકામ કરતા હિતેશભાઈ અશોકભાઈ શિંગાળા (ઉં.વ.25)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, બનાવના ત્રણેક દિવસ પહેલાં તેમના જૂના મિત્ર મયુર રાજેશભાઈ બાવરીયા પોતાની પત્ની કિરણબેન સાથે મોટરસાઇકલ પર ગરબી જોવા જઈ રહ્યા હતા. તે દરમિયાન પાણીના ટાંકા નજીક આશાપુરા ગેસ પાસે કેટલાક શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાના હેતુથી તા.17 ઑક્ટોબરની રાત્રે આશરે 11 વાગ્યે નવાગામ ઘેડના હનુમાન મંદિર પાસે લોકોને એકત્ર કરવામાં આવ્યા હતા. આ સમયે હિતેશભાઈના મોટાભાઈ નિતિનભાઈ સહિતના લોકો હાજર હતા. સમાધાન અંગે વાતચીત ચાલી રહી હતી ત્યારે ઉમેશ રણછોડભાઈ લોલડીયા, તેનો ભાઈ રિતેશ ઉર્ફે રીટો રણછોડભાઈ લોલડીયા અને મયુર રાજેશભાઈ બાવરીયાએ નિતિનભાઈ સાથે ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
મોટાભાઈ સાથે ઝઘડો થતો હોવાનું જાણીને ઘરમાંથી બહાર આવેલા હિતેશભાઈ તથા તેમના કાકા દિનેશભાઈએ વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રિતેશ ઉર્ફે રીટોએ પોતાની પાસે રહેલા પાવડાના હાથા વડે હિતેશભાઈને જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં ઘા ઝીંક્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. પ્રથમ ઘા વાગતાં હિતેશભાઈ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમના માથાના પાછળના ભાગે વધુ એક ઘા મારવામાં આવતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલામાંથી છોડાવવા વચ્ચે પડેલા કાકા દિનેશભાઈને પણ જમણા હાથમાં મૂંઢ ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હિતેશભાઈને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના માથાના ઉપરના ભાગે આઠ અને જમણી બાજુએ આશરે છ મળી કુલ 14 જેટલા ટાંકા લઈ સારવાર આપવામાં આવી હતી. આ ફરિયાદના આધારે સિટી બી-ડિવિઝન પોલીસે ઉમેશ રણછોડભાઈ લોલડીયા, રિતેશ ઉર્ફે રીટો રણછોડભાઈ લોલડીયા અને મયુર રાજેશભાઈ બાવરીયા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 118(1), 115(2), 296(બી), 54 તથા જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધ્યો છે.
બીજી તરફ, આ જ બનાવમાં સામા પક્ષે પણ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવતાં સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અને વાહન હંકારવાની કામગીરી કરતા ઉમેશભાઈ રણછોડભાઈ લોલડીયા (ઉં.વ.28)એ નોંધાવેલી સામી ફરિયાદમાં નિતીન અશોકભાઈ શિંગાળા, હિતેશ અશોકભાઈ શિંગાળા, દિનેશ શરદભાઈ શિંગાળા અને કારો ઉર્ફે બાપાસીતારામ મકવાણા સહિત ચાર શખ્સો સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
ઉમેશભાઈની ફરિયાદ મુજબ, તેમના મિત્ર મયુર બાવરીયાને ત્રણેક દિવસ અગાઉ ગોકુલનગર વિસ્તારમાં કેટલાક શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. આ મામલે રોહિત શિંગાળાની મધ્યસ્થીથી સમાધાન કરાવવામાં આવ્યું હતું. જોકે સમાધાન થઈ ગયા બાદ પણ તા.17 ઑક્ટોબરની રાત્રે હનુમાન ચોક નજીક આવેલા હનુમાનજીના મંદિર પાસે ફરીથી તકરાર સર્જાઈ હતી.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, સમાધાનના મુદ્દે નિતીન શિંગાળાએ ગાળાગાળી શરૂ કરતાં ઉમેશભાઈએ સમાધાન થઈ ગયું હોવાનું જણાવી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન નિતીન શિંગાળાએ લોખંડના પાઇપ વડે ઉમેશભાઈના માથામાં ઘા ઝીંક્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલાના કારણે તેઓ જમીન પર પડી ગયા હતા. ત્યારબાદ હિતેશ શિંગાળાએ લોખંડના પાઇપ અને દિનેશ શિંગાળાએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આ સમયે મિત્ર ઉમેશભાઈને બચાવવા વચ્ચે પડેલા મયુર બાવરીયાને પણ લોખંડના પાઇપ વડે માથાના ભાગે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ઉપરાંત ઉમેશભાઈના ભાઈ છોડાવવા વચ્ચે પડતાં કારો ઉર્ફે બાપાસીતારામ મકવાણાએ તેમને ઢીકા-પાટુનો માર માર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ હુમલામાં ઉમેશભાઈને માથા અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી, જ્યારે મયુરને પણ માથામાં ઈજા થઈ હતી. બંને ઈજાગ્રસ્તોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઉમેશભાઈને માથામાં ટાંકા લેવા પડ્યા હતા. ઉમેશભાઈની ફરિયાદના આધારે પોલીસે નિતીન શિંગાળા, હિતેશ શિંગાળા, દિનેશ શિંગાળા અને કારો ઉર્ફે બાપાસીતારામ મકવાણા સામે હત્યાના પ્રયાસ, મારામારી સહિતની સંબંધિત કલમો તેમજ જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આમ, ગરબી જોવા જતી વખતે થયેલી બોલાચાલીનું સમાધાન કરાવવા માટે યોજાયેલી બેઠક જ બંને જૂથો વચ્ચે લોહિયાળ અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. એક પક્ષે પાવડાના હાથા વડે હુમલો કરાયાનો આક્ષેપ કર્યો છે, જ્યારે બીજા પક્ષે લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરાયાની ફરિયાદ નોંધાવી છે. બંને પક્ષોએ એકબીજા સામે હત્યાના પ્રયાસના આક્ષેપો કરતાં પોલીસે સામસામી ફરિયાદો નોંધી છે. સમાધાન માટે ભેગા થયેલા લોકો વચ્ચે જ લોહિયાળ અથડામણ સર્જાતાં સમગ્ર પ્રકરણ ચર્ચાસ્પદ બન્યું છે. સામસામી ફરિયાદોમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા અને હુમલાના ચોક્કસ સંજોગો અંગે સિટી બી-ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.