- જામનગર શહેર અને સિક્કામાં થી 'બંધ' માટે નીકળેલા ૧૩૦ કોંગી આગેવાનો કાર્યકરોની અટકાયત
જામનગર,તા.10 સપ્ટેમ્બર 2022,શનિવાર
કોંગ્રેસ પાર્ટી દ્વારા મંદી, મોંઘવારી, બેરોજગારી અને ગુજરાતમાં વધી રહેલા ડ્રગ્સના કાળા કારોબારના વિરોધમાં ગુજરાત બંધનું એલાન અપાયું હતું, જે બંધને જામનગર શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારના ભાગે આંશિક સફળતા સાંપડી હતી. દરમિયાન બંધ કરાવવા નીકળેલા 130 જેટલા કોંગી આગેવાનો અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવાય છે કોંગ્રેસ પાર્ટી દ્વારા અપાયેલા બંધના એલાન ને લઈને શહેરના કેટલાક કોંગી કાર્યકરો કોર્પોરેટરો વગેરે દ્વારા વેપારી સહિતના નગરજનોને ગઈકાલે સાંજે અપીલ કરવામાં આવી હતી તેમજ કેટલાક સૂત્રોચાર સાથેના પોસ્ટરો પણ વેપારીની દુકાને લગાવાયા હતા દરમિયાન આજે સવારથી જ શહેર જિલ્લા કોંગ્રેસના આગ્રણીઓ બંધના એલાનના પગલે વેપારીઓને બંધ પાડવા માટે જુદા જુદા વિસ્તારોમાં ટીમ બનાવીને અપીલ માટે નીકળ્યા હતા. જેમાં સૌપ્રથમ જામનગર શહેરની

મોટાભાગની શાળા કોલેજોમાં NSUI ની ટુકડીઓ દ્વારા બંધ માટેની અપીલ કરાતા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી અને સવારના ભાગે ચાલતી શાળા કોલેજોમાં બંધ પાડવામાં આવ્યો હતો આ ઉપરાંત આગેવાનો કાર્યકરો દ્વારા જામનગર શહેરના રણજીત રોડ ત્રણ વ્યક્તિ બેડી કેટ ચાંદી બજાર જીજી હોસ્પિટલ રોડ સરોજના વિસ્તારોમાં વેપારીઓને બંધ કરાવવા માટે નીકળ્યા હતા.
દરમિયાન પોલીસ દ્વારા ખંભાળિયાના ધારાસભ્ય તેમજ શહેર જિલ્લા કોંગી પ્રમુખો સહિતના ૧૩૦ જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરી લીધી છે, અને હાલ તમામને પોલીસ હેડ ક્વાર્ટર માં રાખવામાં આવ્યા છે.
કોંગ્રેસ ના શહેર પ્રમુખ દિગુભા જાડેજા તથા શહેર કોંગ્રેસના કાર્યકરો અને એન એસ યુ આઈ ના કાર્યકરો આજે સવારે ખંભાળિયા વિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ ની આગેવાનીમાં વેપારીઓને બંધ કરાવવા માટેની અપીલ સાથે નીકળ્યા હતા. જે દરમિયાન જી.જી.હોસ્પિટલ રોડ પર પોલીસ સાથે પ્રારંભમાં સંઘર્ષ થયો હતો, ત્યારબાદ પોલીસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ૧૦૫ થી વધુ કોંગી કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી. ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, શહેર પ્રમુખ દિગુભા જાડેજા, કોર્પોરેટર ધવલ નંદા, અસલામ ખીલજી સહિતના કોર્પોરેટરો તથા એન.એસ.યુ.આઈ.ના તૌશિફખાન પઠાણ સહિતના કોંગી કાર્યકરોનો સમાવેશ થાય છે, જે તમામને પોલીસ હેડ કવાટરમાં રાખવામાં આવ્યા છે, અને તમામ સામે બી.પી. એકટ ૬૮ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

જામનગર શહેર ઉપરાંત જામનગર તાલુકાના સિક્કામાં પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા બંધ કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયા ની આગેવાનીમાં કોંગી કાર્યકરો બંધ માટે નીકળ્યા હતા, દરમિયાન સિક્કા પોલીસ દ્વારા ૨૫ થી વધુ કોંગી કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી છે, જે તમામને પણ જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં લાવવામાં આવ્યા હતા.


