જામનગર,તા.16 ફેબ્રુઆરી 2020 રવિવાર
જામનગર નજીક હાપામાં યોગેશ્વર ધામ સોસાયટીમાં રહેતી એક પરિણીત યુવતીએ ગતરાત્રે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. માવતરમાં જમણવાર નો પ્રસંગ હોવાથી સાસરિયાઓએ જવા નહીં દેતા માઠું લાગવાથી આ પગલું ભરી લીધાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.
આ બનાવ અંગેની વિગત એવી છે કે, જામનગર નજીક હાપામાં યોગેશ્વરધામ સોસાયટીમાં રહેતી નીલમબેન શૈલેષભાઈ ધોકિયા નામની ચોવીસ વર્ષની પરિણીત યુવતીએ ગઈકાલે રાત્રે બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘેર પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો.
આ બનાવ અંગે જામનગરમાં રણજિતનગર શાક માર્કેટ વિસ્તારમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા નીલમબેનના ભાઇ કેવલભાઈ નરેન્દ્રભાઈ ભાલાળાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ ડીવીઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દરમિયાન મૃતક નીલમબેનના માવતરે જમણવારનો પ્રસંગ હોય ત્યાં જવાનું હોવાથી માવતર પક્ષનો ફોન આવ્યો હતો પરંતુ સસરા પક્ષના સભ્યોએ માવતરે જવાની ના પાડતા માઠું લાગવાથી આ પગલું ભરી લીધું હોવાનું જણાવાયું છે.
પોલીસે આ બનાવની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. મૃતકનો લગ્નગાળો પાંચ વર્ષનો છે. અને તેણીને સંતાનમાં એક પુત્રી છે. જયારે તેણીનો પતિ ફોટોગ્રાફીનો વ્યવસાય કરે છે.


