app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

'છોટીકાશી' માં નવરાત્રી ઉપરાંતના બીજા લાંબા ગણેશ મહોત્સવનો ધામધૂમથી શુભારંભ

Updated: Sep 19th, 2023


- ભક્તોએ વાજતે ગાજતે બાપ્પાને પંડાલો તથા ઘરોમાં સ્થાપિત કર્યા

- જામનગર શહેરમાં 400 થી પણ વધુ સ્થળો પર સાર્વજનિક ગણેશ મહોત્સવનો આજથી થયો પ્રારંભ             

જામનગર,તા.19 સપ્ટેમ્બર 2023,મંગળવાર

'છોટીકાશી' કહેવાતા જામનગરમાં આજથી ગણેશોત્સવનાં તહેવારનો શુભારંભ થતા શહેરમાં 'ગણપતિ બાપ્પા મોરીયા' નો જયઘોષ ગૂંજી ઉઠયો હતો. વરસાદી વાતાવરણમાં પણ ભક્તોનો ઉત્સાહ અડીખમ રહ્યો હતો, અને ગત મોડી રાત્રિથી જ ભગવાન ગજાનનની વિવિધ મૂર્તિઓને ડી.જે.નાં તાલ સાથે પંડાલો સુધી લઇ જવાનો સિલસિલો આરંભ થઇ ગયો હતો. આજ સવારે શુભ મુહૂર્ત અનુસાર વિધીવત ગણેશ સ્થાપન કરી ભગવાન ગજાનની ભક્તિનાં ૧ દિવસથી અનંત ચતુર્દશી સુધીના ભક્તિ પર્વનો આરંભ કરવામાં આવ્યો હતો.

 જામનગર શહેરમાં 400 થી પણ વધુ સ્થળો પર ગણપતિના નાની મોટી મૂર્તિનું સ્થાપન કરીને ખૂબ જ ઉત્સાહ પૂર્વક ગણપતિ મહોત્સવ ઉજવાય છે. ખાસ કરીને જામનગરના ચાંદી બજાર, હવાઈ ચોક, તળાવની પાળ, ગુરુદ્વારા, નજીક મહારાષ્ટ્ર મંડળ સહિતના અનેક સ્થળોએ ભગવાન ગણેશજીની નાની મોટી મૂર્તિઓનું સ્થાપન કરીને પૂજા અર્ચના શરૂ કરવામાં આવી છે.

 કેટલાક કોમર્શિયલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં અથવા તો શહેરના અનેક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ગણપતિ મહોત્સવ ઉજવાય છે. મધ્ય સિટીની નાની મોટી શેરી ગલીમાં અનેક સ્થળોએ ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યા છે, અને નવરાત્રી ઉપરાંતના બીજા લાંબા મહોત્સવનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે.

Gujarat