ગુજરાતના પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી સહિત પરિવારના 4 સભ્યો કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં સારવાર હેઠળ
- પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી ઉપરાંત તેમના પતિ નરેન્દ્ર ત્રિવેદી અને દક્ષ ત્રિવેદીને જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરાયા
- વસુબેન ત્રિવેદીના પુત્રવધુ અમીબેન ત્રિવેદીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતાં હોમ આઇસોલેટ કરાયા
જામનગર, તા. 4 માર્ચ 2021, ગુરૂવાર
જામનગર શહેરમાં કોરોના એ ફરીથી વ્યાપ વધાર્યો છે, અને જામનગર શહેર ભાજપના મહિલા અગ્રણી અને પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી અને તેમનો પરિવાર કોરોનાની ઝપટે ચડી ગયો છે, જેથી ભાજપ પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. પરિવારના ચાર સભ્યો કોરોના ગ્રસ્ત બન્યા છે, જેમાં ત્રણ સભ્યોને જી.જી.હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરાયા છે, જ્યારે એક વ્યક્તિને હોમ આઇસોલેટ કરાયા છે.
જામનગર શહેર ભાજપના મહિલા અગ્રણી તેમજ પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી કે જેઓનો કોરોના રિપોર્ટ રીપોર્ટ કરાવતા તેઓ કોરોના પોઝીટીવ બન્યા હતા.આ ઉપરાંત તેમના પતિ નરેન્દ્ર ત્રિવેદી તેમજ તેમના પુત્ર દક્ષ ત્રિવેદીના પણ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને જે બન્નેના પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જેથી ત્રણેયને જામનગરની જી.જી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ત્રણેયની સારવાર કરવામાં આવી રહી છે.
ગઈકાલે ત્રણેયના કોવિડ ટેસ્ટ કરાવ્યા પછી પોઝિટિવ રિપોર્ટ મળતા ભારે દોડધામ થઇ હતી. આ ઉપરાંત દક્ષ ત્રિવેદીનાં પત્ની અમી બેન ત્રિવેદીનો પણ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો, અને મોડેથી તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાથી તેમને હાલ હોમ આઇસોલેશનમાં મૂકવામાં આવ્યા છે.
સમગ્ર પરિવાર કોરોના ગ્રસ્ત બન્યો હોવાથી ભાજપ વર્તુળમાં ભારે દોડધામ મચી ગઈ છે. અને નજીકના દિવસો દરમિયાન તેમના સંપર્કમાં આવનારા વ્યક્તિઓના પણ કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપના અધ્યક્ષ ડૉ. વિમલભાઈ કગથરા સહિતના અગ્રણીઓએ તેમની તબિયતની પૃચ્છા કરી હતી, અને ચિંતા વ્યક્ત કરી છે.