જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં એક બંધ રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
ફાયર બ્રિગેડની ટુકડીએ સમયસર પહોંચી જઈ આગને બુજાવી: આગમાં ટીવી-ફ્રીજ સહિતના ઉપકરણો બળીને ખાખ થયા
જામનગર,તા.31 ઓગસ્ટ 2023,ગુરૂવાર
જામનગરમાં ખોડીયાર કોલોની નજીક રાજ ચેમ્બર વિસ્તારમાં રહેતા ક્રિશ્ચિયન પરિવારના બંધ રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, અને આગના કારણે ઘરમાં રહેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો, ફર્નિચર સહિતની સામગ્રી બળીને ખાખ થઈ હતી.
ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઈ આગને કાબુમાં લીધી છે. આ બનાવની વિગત એવી છે, કે જામનગરમાં ખોડિયાર કોલોની નજીક રાજ ચેમ્બર પાસે હાઉસિંગ બોર્ડના 141 નંબરના ક્વાટરમાં રહેતા એલ્વિન મરીન્ડા નામના ક્રિશ્ચન નાગરિકના બંધ રહેણાંક મકાનમાં આજે સવારે 11.30 વાગ્યાના અરસામાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. મકાનમાલિક એલ્વિન પોતાની નોકરી પર ગયા હતા, જ્યારે તેમના માતા પણ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ ફરજ પર ગયા હતા, અને તેમનો પુત્ર સ્કૂલે ગયો હતો, દરમિયાન પાછળથી રહેણાક મકાનમાં આગ લાગી ગઈ હતી. જે બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાની ટુકડી તુરતજ બનાવ ના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને કાબુમાં લીધી હતી. જે પહેલા મકાનની અંદર રહેલા ઇલેક્ટ્રિક ઉપકરણ ટીવી, ફ્રીજ, ટ્યુબલાઈટ, પંખા, તથા ફર્નિચર વગેરે બળીને ખાખ થયા હતા.