જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખામાં 1 કરોડ 35 લાખના ખર્ચે નવું ફુલ્લી ઓટોમેટિક વોટર બ્રાઉઝર વસાવાયું
- સંસદ સભ્યની ગ્રાન્ટ તેમજ એનજીઓ સંસ્થાના સહયોગથી ૧૫.૫૦ લાખના ખર્ચે નવી એર કન્ડિશન્ડ એમ્બ્યુલન્સ ની લોકાર્પણ વિધિ પણ કરાઈ
જામનગર,તા.6 જુલાઈ 2021,મંગળવાર
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને ધીમે ધીમે અપગ્રેડ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે રૂપિયા એક કરોડ 35 લાખના ખર્ચે નવું ફુલ્લી ઓટોમેટિક વોટર બ્રાઉઝર ખરીદ કર્યા પછી ફાયરશાખાને લોકાર્પણ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. સાથોસાથ સંસદ સભ્ય અને એનજીઓ સંસ્થાની મદદથી રૂપિયા 15 લાખના ખર્ચે એર કન્ડિશન્ડ એમ્બ્યુલન્સની સુવિધા પણ પ્રાપ્ત બની છે.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ને ધીમે ધીમે અપગ્રેડ કરવામાં આવી રહી છે, અને અત્યાધુનિક ફાયરનાં સાધનો વસાવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા 15માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ 25 હજાર લિટરની કેપેસીટી વાળુ અત્યાધુનિક અને ફુલ્લી ઓટોમેટિક બ્રાઉઝર કે જેની કિંમત 1 કરોડ 35 લાખ જેટલી થાય છે.
જેની તાજેતરમાં જ ટેન્ડર પ્રક્રિયા મારફતે ખરીદી કરવામાં આવી હતી, અને જામનગર નગરપાલિકામાં આજે તેની લોકાર્પણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગરના મેયર મીનાબેન કોઠારી તેમજ શહેર ભાજપના પ્રમુખ શ્રી ડો.વિમલભાઈ કગથરા સહિતના હોદ્દેદારો અને કોર્પોરેટરો વગેરેની ઉપસ્થિતિમાં ફાયર વિભાગને સોંપણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત જામનગર જિલ્લાના સાંસદ અને કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા વગેરેના રૂપિયા 12 લાખના અનુદાન ઉપરાંત જય ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ નામની એનજીઓ સંસ્થા અનુદાન વગેરે મળીને રૂપિયા 15.50 લાખના ખર્ચે એર કન્ડિશન એમ્બ્યુલન્સ વસાવવામાં આવી છે. જેની પણ આજે ખાનગી સંસ્થાને અર્પણ વિધિ કરવામાં આવી હતી.