Updated: May 26th, 2023
- ફૂલ સ્પીડમાં વાહન ચલાવવાના પ્રશ્ને બાઈક ચાલક સાથે તકરાર થયા પછી અન્ય ત્રણ સાગરીત સાથે આવીને હુમલો કર્યો
જામનગર,તા.26 મે 2023,શુક્રવાર
જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતી એક સગર્ભા મહિલા અને તેના પતિ ઉપર હુમલો કરવા અંગે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે. આરોપી પોતાનું બાઈક લઈને ફૂલ સ્પીડમાં પસાર થતાં તેને ઠપકો આપ્યો હોવાથી અન્ય ત્રણ સાગરીતો સાથે આવીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતી પ્રફુલાબા સંજયસિંહ ચુડાસમા નામની 23 વર્ષની સગર્ભા મહિલાએ પોતાને પેટના ભાગે લાત મારી ગંભીર ઇજા પહોંચાડવા અંગે તેમ જ પોતાના પતિ સંજય સિંહ ચુડાસમા ઉપર હુમલો કરવા અંગે રામદેવ ચાવડા અને તેના ત્રણ અજાણ્યા સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાને પેટના ભાગે ઇજા થઈ હોવાથી દુ:ખાવો ઉપડતાં તેણીને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેણીની સારવાર ચાલી રહી છે.
આ બનાવની જાણ થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ જી.જી.હોસ્પિટલે દોડી ગયો હતો, અને પ્રફુલાબાની ફરિયાદના આધારે રામદેવ ચાવડા અને તેના અન્ય ત્રણ સાગરીતો સામે ગુનો નોધ્યો છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અને પ્રફુલાબા તેના પતી સંજય સિંહ સાથે ગઈકાલે રાત્રે પોતાના ઘરના દરવાજા પાસે બેઠા હતા, તે દરમિયાન આરોપી રામદેવ ચાવડા પોતાનું બાઈક ફુલ સ્પીડમાં લઈને પસાર થતાં તેને ઠપકો આપ્યો હતો જેથી મનદુઃખ રાખીને અન્ય ત્રણ સાગરીતોને લઈને ફરીથી પાછો આવ્યો હતો, અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર કરાયું છે. પોલીસ ચારેય આરોપીઓને શોધી રહી છે.