જામનગરના બ્રાસપાર્ટના સાત વેપારીઓ સાથે દિલ્હીના ઠગ દ્વારા છેતરપિંડી કરાયાનો મામલો સામે આવતાં દોડધામ
image : Freepik
- દિલ્હીના વેપારીએ જામનગરના સાત વેપારીઓ પાસેથી 19.28 લાખનો માલ સામાન ખરીદ કર્યા પછી હાથ ખંખેરી લેતાં પોલીસ ફરિયાદ
જામનગર,તા.1 સપ્ટેમ્બર 2023,શુક્રવાર
જામનગર નજીક દરેડ વિસ્તારમાં બ્રાસપાર્ટના કારખાના ચલાવતા જુદા જુદા સાત ઉદ્યોગકારો સાથે દિલ્હીના એક વેપારીએ ચીટીંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. બ્રાસપાર્ટના માલની ખરીદી કર્યા પછી 19.28 લાખનું ચુકવણું નહીં કરી ચીટીંગ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં પોલીસે તપાસનો દોર દિલ્હી સુધી લંબાવ્યો છે.
જામનગરમાં શ્રીજી હોલ પાસે રહેતા અને દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં અભિજીત બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ચલાવતા અલ્પેશભાઈ દામજીભાઈ પીપરીયા નામના કારખાનેદારે સને 2020 થી લઈને અત્યાર સુધીમાં દિલ્હીના વેપારી શાહનવાજ નામના વેપારીને માલ સામાન મોકલાવ્યો હતો. જેના પૈસાની ઉઘરાણી કરતાં રકમ ચૂકવવામાં અખાડા કરાયા હતા. ત્યારબાદ જામનગરના દરેડ વિસ્તારના જુદા જુદા અન્ય છ ઉદ્યોગકારો કે જેઓએ પણ દિલ્હીના વેપારી શાહનવાજને અલગ અલગ સમયે માલ સામાન સપ્લાય કર્યો હતો, તે તમામ સાથે કુલ 19,28,238 ની રકમ લેવાની નીકળે છે. જે રકમની વખતોવખત માંગણી કરવા છતાં પણ પૈસા આપ્યા ન હતા, અને તમામ વેપારીઓ સાથે છેતરપીંડી કરી હતી.
આખરે અલ્પેશભાઈ પીપરીયા તથા અન્ય કારખાનેદારો દ્વારા સમગ્ર મામલો પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પીએસઆઇ એમ.એ.મોરીએ તમામ વેપારીઓની ફરિયાદના આધારે દિલ્હીના વેપારી શાહનવાજ સામે આઈપીસી કલમ 406 મુજબ ગુનો નોંધ્યો છે, અને તપાસનો દોર દિલ્હી સુધી લંબાવ્યો છે.