જામનગર, તા. 1 એપ્રિલ 2020, બુધવાર
જામનગર શહેરમાં સસ્તા અનાજની દુકાનો પર આજે મફત રાશન વિતરણનું કાર્ય શરૂ થતાની સાથે જ અનેક સ્થળોએ બબાલ થઈ હતી. કેટલીક દુકાનો પર લોકો ટોળાના સ્વરૂપે એકત્ર થઈ જતા પોલીસ તંત્ર ધંધે લાગ્યું હતું. અને મોટાભાગની દુકાનોની બહાર એક એક મીટરનું અંતર રખાવી વ્યવસ્થા ગોઠવી હતી.
આ ઉપરાંત કેટલાક બીપીએલ કાર્ડ સિવાયના રેશન કાર્ડ ધારકો રાશન લેવા માટે પહોંચી જતા તેઓને મામલતદારના સિક્કા લગાવવાનું કહેતા કલેકટર કચેરીને દ્વારે અનેક લોકો ટોળા સ્વરૂપે ઉમટી પડ્યા હતા. જેથી વહીવટી તંત્રને ફરી કસરત કરવાનો વારો આવ્યો છે. પોલીસે લોકોના ટોળાને સમજાવટ કરી રહી છે.
જામનગર શહેરમાં આજે સરકાર દ્વારા જાહેર કરાયેલા સસ્તા અનાજની દુકાન પરથી મફત રાસનનો જથ્થો લેવા માટે અનેક દુકાનોની બહાર કતાર લગાવવામાં આવી હતી પરંતુ કોઇ દુકાનવાળા મોડા ખુલ્યા હતા તો કોઈ દુકાને ગ્રાહકો ટોળાના સ્વરૂપમાં ઊભા રહી ગયા હતા. જેથી વહીવટી તંત્ર ધંધે લાગ્યું હતું.
જામનગરના ગુલાબનગર વિસ્તાર, કૃષ્ણનગર વિસ્તાર સહિતના અનેક એરિયા માં લોકો ટોળા સ્વરૂપે એકત્ર થઈ જતા પોલીસ તંત્રએ તમામ જગ્યાએ દોડી જઇ લોકોને એક એક મીટરના અંતરે વર્તુળ દોરીને લાઈનમાં ઊભા રખાવ્યા હતા. ત્યાં સુધી અંદાજે એકાદ કલાક સુધી ભારે દેકારો ચાલ્યો હતો.
જોકે, મોડેથી તમામ દુકાનો પર પોલીસે પહોંચી જઈ વ્યવસ્થા ગોઠવી હતી. આ ઉપરાંત કેટલાક દુકાનદારો સમયસર ન ખુલ્યા હોવાથી પણ ગ્રાહકોમાં દેકારો થયો હતો. અને સરકારી તંત્ર ઉપર ટેલિફોનનો મારો ચલાવ્યો હતો ત્યારે કેટલાક ગ્રાહક તો છેક કલેકટર કચેરી અને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. આ મામલે જાણ કરાતા પોલીસે દુકાનદારોને શોધી કાઢ્યા હતા અને દુકાનો ખોલાવી રાસન વિતરણ શરૂ કરાવી દીધું હતું.
આજે પ્રથમ દિવસે જ બીપીએલ કાર્ડ સિવાયના કેટલાક રાસન કાર્ડ ધારકો પણ પોતાનો અનાજ પુરવઠાનો જથ્થો લેવા માટે પહોંચી ગયા હતા જેથી દુકાનદારોએ પોતાના રાશનકાર્ડમાં મામલતદારનો સિક્કો લગાવી આવવાનું કહેતા અનેક લોકો કલેકટર કચેરીનો દ્વારે પહોંચી ગયા હતા, અને કલેકટર કચેરી પાસે લોકોના ટોળેટોળા એકત્ર થઇ જતાં વહીવટીતંત્ર અને લોકો કલેકટર કચેરીનો દ્વારે પહોંચી ગયા હતા.
કલેકટર કચેરી પાસે લોકોના ટોળેટોળા એકત્ર થઇ જતાં વહીવટી તંત્ર પણ ધંધે લાગ્યુ હતું. ત્યાં પણ પોલીસની મદદ લેવી પડી હતી. અને પોલીસે લોકોને સમજાવટ કરીને દૂર કર્યા હતા. જોકે લોકો માનવા તૈયાર ન હતા. અને મોડે સુધી પોલીસ અને રાશન કાર્ડ ધારકો વચ્ચે રકઝક ચાલતી રહી હતી.


