જામનગરમાં કાલાવડ નાકા બહાર એક દુકાનમાંથી રોકડની લૂંટ ચલાવી રહેલા શખ્સને મહિલાએ અટકાવતાં બબાલ
- ઝપાઝપી દરમિયાન લૂંટારૂ શખ્સે મહિલા પર હુમલો કર્યો: તેની પુત્રી દ્વારા સમગ્ર ઘટનાનું વીડિયો શૂટિંગ પણ કરાયું
- દુકાનદાર પાડોશી મહિલાને ધ્યાન રાખવાનું કહીને નમાજ પઢવા જતાં પાછળથી લૂંટારૂ શખ્સ ત્રાટક્યો હતો
જામનગર,તા.1 નવેમ્બર 2021,સોમવાર
જામનગરમાં કાલાવડ નાકા બહાર ફ્રૂટના એક વેપારી નમાઝ પડવા ગયા હતા, દરમિયાન પાછળથી એક લૂંટારૂ શખ્સ દ્વારા દુકાનમાંથી રૂપિયા બે હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ભાગવાનો પ્રયત્ન કરાતાં પાડોશી મહિલાએ તેને પકડી લીધો હતો. દરમિયાન ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, અને મહિલાના મોઢા પર હુમલો કરી દીધો હતો. જે સમગ્ર ઘટના મહિલાની પુત્રીએ મોબાઈલ ફોનમાં વિડિયો રેકોર્ડિંગ કરી લીધી હતી. સમગ્ર મામલો પોલીસ મથકે લઇ જવાયો છે, અને પોલીસે લૂંટનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રંગમતી સોસાયટીમાં રહેતા અને કાલાવડ નાકા બહાર રંગૂનવાલા હોસ્પિટલ પાસે ફ્રુટની દુકાન ચલાવતા અબ્દુલ રસીદ અબ્દુલ રજાક સાટી (ઉ.વર્ષ 25) કે જેઓ ગઈકાલે રવિવારે પોતાની દુકાનનું ધ્યાન રાખવા માટે પાડોશમાં રહેતા બિલ્કિસબેનને કહીને નમાઝ પઢવા માટે ગયા હતા, અને બિલ્કિસબેન દુકાન પાસે ઊભા હતા.
જે દરમિયાન તકનો લાભ લઈને પાડોશમાં રહેતો નવાજખાન અયુબખાન પઠાણ નામનો શખ્સ દુકાનમાં ઘૂસી આવ્યો હતો, અને ટેબલના ખાનામાં રાખેલી રૂપિયા બે હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.
જે દરમિયાન પાડોશી મહિલા બિલ્કિસબેને હિંમત દાખવી તેનો હાથ પકડી લીધો હતો, અને રોકડ રકમ પરત લેવાની કોશિશ કરી હતી. આ સમયે ઝપાઝપીના દ્રશ્ય સર્જાયા હતા, અને નવાજખાને બિલ્કિસબેનના મોઢા પર મૂકો મારી હોઠ તોડી નાખ્યો હતો, અને રોકડ ઝૂંટવી લઈ ભાગી છૂટ્યો હતો.
આ સમગ્ર ઘટના બિલ્કિસબેનની પુત્રી આમનાબેને પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી. જેના આધારે સમગ્ર મામલો સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જ્યાં વેપારી અબ્દુલ રસીદ સાટીએ પોતાની દુકાનમાંથી રૂપિયા બે હજારની રોકડ રકમ લૂંટ ચલાવવા અંગે નવાજખાન પઠાણ સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.