Gujarat
જામજોધપુર: વાંસજાળીયા, તરસાઈ ગામના ખેડૂતોએ પોતાની વાડીના શ્રમિકોને તરછોડી દેવા અંગે ગુના નોંધાયા
By GS Team
18 Apr 20202 mins read
This article was originally published on 18 Apr 2020

જામનગર, તા. 18 એપ્રીલ 2020, શનિવાર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના એક ખેડૂતે પોતાની વાડીમાં કામ કરતા મજૂરોની દેખરેખ નહીં રાખી તરછોડી દીધા હતા. જ્યારે વાંસજાળીયા ગામના પણ બે ખેડૂતોએ પોતાની વાડીમાં કામ કરતા દસ મજૂરો ને તરછોડી દીધા હતા. જેથી બન્ને ગામ ના ખેડૂતો સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લામાં મજૂરોને તરછોડી દેવા અંગે ના પ્રથમ બે ગુના નોંધાયા છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગતો એવી છે કે જામજોધપુર તાલુકાના તરસાઇ ગામમાં રહેતા અને ખેતીકામ સંભાળતા કરમણભાઈ કાંતિભાઈ ઘેલીયા નામના ખેડૂતે પોતાની વાડીમાં કામ કરતા મજૂરોને હાલ કોરોનાવાયરસ ની મહામારીને નિયંત્રણ તથા સાવચેતી ના અનુસંધાને જાહેરનામા મુજબ મજૂરોની દેખરેખ રાખવાની હતી. અને સંપૂર્ણ જવાબદારી નિભાવવાની હતી. તેમ છતાં પોતાની વાડીમાં કામ કરતા ૧૫ મજૂરોને તરછોડી દીધા હતા.
જે અંગે જામજોધપુર પોલીસને જાણ થતા જામજોધપુર પોલીસ જાતે ફરિયાદી બની હતી અને ખેડૂત કરમણભાઈ ઘેલીયા સામે જામજોધપુર પોલીસ મથકમાં ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે.
આ ઉપરાંત જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા ચંદુભાઈ મોહનભાઈ અને પ્રવીણભાઈ ભીમજીભાઇ દેપાણી એ પોતાની વાડીમાં કામ કરતા 10 જેટલા ખેત મજુરોને કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે દેખરેખમાં રાખવાની સંપૂર્ણ જવાબદારી હોવા છતાં તરછોડી દીધા હતા. જેથી પોલીસે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી.જામનગર જિલ્લામાં પોતાને ત્યાં કામ કરતા શ્રમિકોને તરછોડી દેવા અંગેના પ્રથમ બે ગુના દાખલ થયા છે.




