જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ઓપન હરાજીમાં મગફળીના રેકોર્ડબ્રેક ભાવ બોલાતા ખેડૂતો ખુશખુશાલ: દિવાળી સુધરી
- રાત્રિના 12.00થી 5.00 વાગ્યા સુધીમાં 525 વાહનોમાં ખેડૂતો ૩5 હજાર ગુણી મગફળી લઈને આવ્યા
- મગફળીની રેકર્ડબ્રેક આવક થઇ હોવાથી પાંચ દિવસ માટે ખેડૂતોને મગફળી લઇને યાર્ડમાં આવવા માટે બોલાવાશે નહીં
જામનગર, તા. 26 ઓક્ટોબર 2020, સોમવાર
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ખેડૂતોને પોતાની મગફળીનો જથ્થો લઇ આવવા માટે ની જાણકારી અપાઇ હતી, જે દરમિયાન રેકોર્ડબ્રેક કરી શકાય તેટલા 225 વાહનોમાં ૩5,000 મગફળીની ગુણીની આવક થઈ છે.
હાલ માર્કેટિંગ યાર્ડ માં જગ્યા ન હોવાથી પાંચ દિવસ સુધી ખેડૂતોને બોલાવાશે નહીં, તેમજ હરાજીની પ્રક્રિયા દરમિયાન મગફળીની પણ રેકોર્ડ બ્રેક હરાજી થઈ છે અને 20 કિલો(એક મણ) નો મગફળી નો ભાવ 850 રૂપિયાથી 1,465 નો બૉલાયો છે, જે પણ એક રેકોર્ડ છે. જેને લઇને ખેડૂતો ખુશખુશાલ થયા છે, અને ખેડૂતોની આખરે દિવાળી સુધરી છે.
જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાપા યાર્ડમાં ખેડૂતો ને ઓપન હરાજીમાં મગફળી નો જથ્થો લઇ આવવા માટે બોલાવ્યા હતા અને રાત્રીના 12 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધીનો સમય અપાયો હતો. જે સમયગાળા દરમિયાન જામનગર તાલુકાના ખેડૂતો 525 વાહનો લઇને આવ્યા હતા, ફુલ રેકોર્ડબ્રેક ૩5 હજાર જેટલી મગફળીની ગુણી ની આવક થઈ છે. જેથી હાપા માર્કેટિંગ યાર્ડમાં પાંચ દિવસ સુધી ખેડૂતોને બોલાવાશે નહી,ત્યાં સુધી મા હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે.
આજે સવારે દસ વાગ્યા થી હાપા માર્કેટિંગ યાર્ડમાં ઓપન બજારમાં હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને 20 કિલો (એક મણ) મગફળીનો ભાવ 850થી રેકોર્ડ કહી શકાય એટલો 1,465નો ભાવ બોલાયો હતો. જેથી ખેડૂતો ખુશખુશાલ થયા છે મગફળી સારી હોવાથી 1,465 જેટલો ભાવ મળતો હોવાના કારણે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી ના વેચાણ પ્રક્રિયા માં નિરસતા દાખવી છે.