જામનગર, તા.10 એપ્રિલ 2020, શુક્રવાર
જામનગર શહેરમાં તેમજ દરેડ અને મસીતીયા વિસ્તારમાં જિલ્લા કલેકટર દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓને લઈને નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શાકભાજી તેમજ ફ્ટની લારી, અનાજ કરીયાણાની દુકાન વગેરે સવારે ૬ થી બપોરે એક વાગ્યા સુધી ખુલ્લી રખાશે. ઉપરાંત અન્ય આવશ્યક ચીજ વસ્તુઓના વેપારીઓએ સવારે ૬ થી સાંજે ૬ સુધી દુકાન ખુલ્લી રાખી શકશે, તેવું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
જામનગરના જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા આજથી ૧૪ એપ્રિલ સુધી લોકડાઉનના સમયગાળા દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓને લઈને નવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગર શહેર અને દરેડ આસપાસના વિસ્તારમાં આવશ્યક ચીજ-વસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, ફળફળાદી ની લારી, દુકાનો સવારે છ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે, તે જ રીતે અનાજ કરીયાણાની દુકાનો અને પ્રોવિઝન સ્ટોર સવારે છ કલાકથી થી બપોરે ૧ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.
આ ઉપરાંત અનાજ કરિયાણું તેમજ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે સાબુ, ટુથ પેસ્ટ વગેરે હોલસેલ વેપારીઓ અને છૂટક વિક્રેતાઓને સવારે છ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી પોતાની દુકાનો ખુલ્લી રાખી શકશે. તે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેનો અમલ આવતીકાલે તા. ૧૧ થી ૧૪ સુધી કરાશે. જો કે મેડિકલ ઇમરજન્સી સારવાર અને દવાઓની દુકાન વગેરે ૨૪ કલાક ખુલ્લા રાખી શકાશે. પેટ્રોલ પંપ તેમજ રાંધણગેસના બાટલાના વિક્રેતાઓને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આવતીકાલ થી સાંજે છ વાગ્યા પછી કોઈપણ ધંધાર્થીઓ પોતાની દુકાન ખોલી રાખશે શકશે નહીં.


