Get The App

'છોટીકાશી' થી પ્રચલિત એવા જામનગર શહેરમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ

Updated: Oct 29th, 2021

GS TEAM


Google News
Google News
'છોટીકાશી' થી પ્રચલિત એવા જામનગર શહેરમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ 1 - image


- જામનગરની મુખ્ય બજારોમાં ઘરવખરી સહિતની ખરીદી માટે રોનક દેખાઇ: ઘર સજાવટની વસ્તુઓમાં ગૃહિણીનો ઉત્સાહ

જામનગર,તા. 29 ઓક્ટોબર 2021,શુક્રવાર

છોટીકાશીના નામથી પ્રચલિત અને પ્રત્યેક ધાર્મિક અને સામાજિક તહેવારોમાં સદાય અગ્રેસર રહેતા જામનગર શહેરમાં પ્રકાશના પર્વ દિવાળીના તહેવારને અનુલક્ષીને બજારમાં હવે રોનક જોવા મળી છે. આથી વેપારીના મુખ મલકાયા છે. તેમજ બજારોમાં પણ ધીમે ધીમે ખરીદી માટે આવનારા લોકોની ભીડ જોવા મળી રહી છે. દિવાળી પૂર્વે ઘર અને વ્યવસાયના સ્થળે સાફસૂફ કરી જૂની નકામી વસ્તુઓના સ્થાને સુશોભનની નવી વસ્તુઓથી અજવાસના પર્વને ઉજવવામાં આવે છે. દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે બજારમાં ધીમા પગલે રોનક આવી રહી છે. તોરણ, રંગોળી, સ્ટીકર, લાઈટીંગ, ઝૂમર વિગેરેના વેપારીઓને ત્યાં ઘરાકી જોવા મળી રહી છે. આ વખતે રૂ.150 થી 1,500 સુધીની કિંમતના તોરણ તથા 100 રૂપિયાથી 400 રૂપિયા સુધીની કિંમતના લાઈટ વાળા ઝુમર બજારમાં ઉપલબ્ધ છે. 20 થી 150 રૂપિયા સુધીની શ્રેણીમાં રંગોળી, સ્ટીકર, લાભ-શુભ વિગેરે પરચૂરણ આઈટમો મળી રહે છે. 

'છોટીકાશી' થી પ્રચલિત એવા જામનગર શહેરમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ 2 - image

દિવાળીના પર્વ સમયે ગૃહસુશોભનની વસ્તુઓ પણ ઉપલબ્ધ છે. આ વર્ષે રૂ. 200 તથા રૂપિયા 250 ની કિંમતના આકર્ષક કલરફૂલ લાઈટવાળા ઝૂમર ઉપલબ્ધ છે. તેમાંય ખાસ કરીને એલ.ઈ.ડી. લાઈટનો ઉપયોગ પ્રચલિત બન્યા પછી દિવાળી પર લાઈટીંગ ડેકોરેશન તથા રોશનીનો ક્રેઝ પ્રતિવર્ષ વધતો જ જાય છે. આ વર્ષે એલ.ઈ.ડી.ની વિવિધ રંગો વાળી અને કલર બદલતી સીરીઝ, બલ્બ વિગેરે આઈટમોમાં 5 ટકા જેવો નહીંવત ભાવ વધારો થયો છે. જેમ-જેમ દિવાળી નજીક આવશે તેમ-તેમ ખરીદીનું પ્રમાણ વધશે તેવી વેપારીઓને આશા છે. 60 રૂપિયાથી 550 સુધીની શ્રેણીમાં મનગમતી એલ.ઈ.ડી. સીરીઝ મળી રહી છે. ઘર તથા વ્યવસાયની ઈમારત પર રંગબેરંગી શેડ પાડતી લોકપ્રિય પાર લાઈટ પણ 500 થી 1200 રૂપિયા સુધીની કિંમતમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઘર સજાવટની અન્ય વસ્તુઓ વિવિધ ડિઝાઇનના પગલૂછણીયા તેમજ ફ્લાવરપોટ સહિતની સીરામીક ની વસ્તુઓ પણ બજારમાં જોવા મળી રહી છે.

સાથોસાથ મુખવાસની પણ દ્રાયફ્રૂટ સહિત ભાતભાતની વેરાઇટી અને તેના જાહેરમાં સ્ટોલ ઊભા થયેલા જોવા મળી રહ્યા છે. ગૃહ સજાવટ ઉપરાંત તૈયાર કપડા અને બુટ ચપ્પલના વેપારીઓને ત્યાં પણ ખરીદી કરવા માટે આવેલી મહિલાઓની વિશેષ ભીડ જોવા મળી રહી છે, અને દિવાળીના પર્વને ઉજવવા માટે લોકોનો થનગનાટ જોવા મળ્યો છે. જેથી હવે બજારમાં દિવાળીની રોનક દેખાઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા દુકાનોને ખુલ્લી રાખવાનો સમયે રાત્રીના બાર વાગ્યા સુધીનો કરી દેવાયો હોવાથી વેપારીઓ પણ ખુબ જ ઉત્સાહિત બન્યા છે.

Tags :