જામનગરના ભાતીગળ શ્રાવણી મેળા તથા જન્માષ્ટમીના મેળાને કોરોનાનું ગ્રહણ
- સતત બીજા વર્ષે પણ બંને મેળાઓ રદ્દ થતાં હકડેઠઠ જનમેદનીના બદલે બન્ને મેલા મેદાનો ખાલીખમ
જામનગર,તા.28 ઓગષ્ટ 2021,ગુરૂવાર
જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીના પટમાં ભાતીગળ શ્રાવણી મેળાનું આયોજન થાય છે, જ્યારે પ્રદર્શન મેદાનમાં જન્માષ્ટમીના મેળાનું આયોજન થાય છે. પરંતુ સતત બીજા વર્ષે પણ બંને મેળાઓને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે, અને મેળા રદ્દ થયા છે. જેથી જામનગરના બંને મેળાના મેદાન જબરદસ્ત જન મેદનીના બદલે ખાલીખમ નજરે પડી રહ્યા છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ મહિનાના ચાર સોમવાર તેમજ જન્માષ્ટમીથી અમાસ સુધીના તહેવારોના દિવસો દરમિયાન રંગમતી નદીના પટમાં પરંપરાગત શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવે છે. તે ઉપરાંત સાતમ આઠમથી લઈને અમાસ સુધી પ્રદર્શન મેદાનમાં જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવે છે. અને બંને મેળાઓમાં હજારોની સંખ્યામાં જનમેદની ઊમટી પડે છે. હાલારના બંને જિલ્લાની મનોરંજનપ્રિય જનતા મેળાનો આનંદ લેવા માટે આવતી હોય હોય છે. અને બન્ને મેળામેદાન નાની મોટી મનોરંજન રાઈડ અને ખાણીપીણીના સ્ટોલથી સુસજ્જ બનેલા હોય છે.
પરંતુ હાલમાં કોરોનાના કારણે સતત બીજા વર્ષે પણ બંને મેળાઓ રદ કરવામાં આવ્યા છે. જેથી હાલારની જનતા સતત બીજા વર્ષે પણ મેળાના આનંદથી દૂર રહી છે.