ખંભાળિયા: લોકડાઉન દરમ્યાન વૃદ્ધાએ તળાવમાં ઝંપલાવ્યુ, પોલીસે બચાવી લીધા
ભાટિયાની ઘટના: ઝઘડો થતાં સાસુ અન વહુ બન્ને ઘરેથી ચાલ્યાં ગયાં, વહુને પણ પોલીસે શોધીને પરિવારને સોંપી
ખંભાળિયા, તા. 22 એપ્રિલ 2020 બુધવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકડાઉનને પગલે કલ્યાણપુર તાલુકાના ભાટિયા પંથકમાં સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન ભાટિયા ગામ પાસે આવેલા કેસરીયા તળાવમાં એક વૃદ્ધાએ આપઘાત કરવા માટે ઝંપલાવ્યું હોવાનું નજરે પડ્યું હતું. પોલીસ જવાનોએ તાત્કાલિક તળાવમાં પડી, વૃદ્ધાને બચાવી લીધા હતા.
71 વર્ષીય વૃદ્ધાને હેમખેમ પોલીસ સ્ટેશને લાવીને પૂછતાછ કરતાં તેમણે પોતાનું નામ વેજીબેન મુરુભાઈ માવદિયા અને ગામના ગણેશવાસમાં રહેતા હોવાનુ જણાવ્યું હતું. તેમણે માનસિક રીતે કંટાળીને આપઘાત કરવા પડ્યા હોવાની કેફિયત પણ વ્યક્ત કરી હતી.
આથી પોલીસ મથકે બોલાવીને તેમના પરિવારને સોંપ્યા હતા. વૃદ્ધાના પરિવારે પોલીસને જણાવ્યું હતું કે વૃદ્ધાવસ્થાના લીધે ક્યારેક વેજીબેન માનસિક રીતે અસ્વસ્થ બની જાય છે.
ઘરેથી તેમના પુત્રવધૂ સાથે ઝઘડીને આપઘાત કરવા નીકળી ગયા હતા. તેમના પુત્રવધૂ પણ ઘરેથી નાસી ગયા હતા. જેમને પણ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન આ વિસ્તારમાંથી શોધીને તેમના પરિવારને સોંપ્યા હતા.