Get The App

જામનગરમાં મંગલદીપ સોસાયટી વિસ્તારમાંથી ડુપ્લીકેટ તમાકુ બનાવવાની મીની ફેક્ટરી પકડાઈ

Updated: Feb 18th, 2023

GS TEAM


Google News
Google News
જામનગરમાં મંગલદીપ સોસાયટી વિસ્તારમાંથી ડુપ્લીકેટ તમાકુ બનાવવાની મીની ફેક્ટરી પકડાઈ 1 - image


- તમાકુના ડબલા તથા તેના પેકિંગને લગતી સામગ્રી-મશીનરી સહિત એક શખ્સની અટકાયત

જામનગર,તા.18 ફેબ્રુઆરી 2023,શનિવાર

જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીએ રણજીતસાગર રોડ પર મંગલદીપ સોસાયટીમાં આવેલા એક રહેણાંક મકાન પર દરોડો પાડી ડુપ્લિકેટ તમાકુ બનાવવાની મીની ફેક્ટરી પકડી પાડી છે અને અંદરથી ડુપ્લીકેટ તમાકુ બનાવવા માટેની મશીનરી અને તેને લગતી સામગ્રી તથા તમાકુનો જથ્થો વગેરે કબજે કરી લઈ મકાન માલિકની અટકાયત કરી છે.

 આ દરોડાની વિગત એવી છે કે જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના રણજીતસાગર રોડ પર મંગલદીપ સોસાયટી શેરી નંબર-૨ માં રહેતા હિતેશ હિરાણી ઉર્ફે જીતુ નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ડુપ્લીકેટ તમાકુ બનાવવાની મીની ફેક્ટરી ચલાવવામાં આવી રહી છે, જે બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે એસ.ઓ.જી.ની ટુકડીએ દરોડો પાડયો હતો.

જામનગરમાં મંગલદીપ સોસાયટી વિસ્તારમાંથી ડુપ્લીકેટ તમાકુ બનાવવાની મીની ફેક્ટરી પકડાઈ 2 - image

 જે દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી બાગબાન કંપનીના ૧૩૮ તમાકુના પાઉચ ઉપરાંત ૯૦૦ નંગ લુઝ પાઉચ, ઉપરાંત પેકિંગ કરવા માટેના પ્રિન્ટિંગના રોલ, પેકિંગ કરવા માટેનું હાથ બનાવટનું ઇલેક્ટ્રીક મશીન વગેરે સામગ્રી મળી આવી હતી. ઉપરાંત તમાકુનો પણ કેટલોક જથ્થો મળી આવ્યો હતો.

 જેથી એસ.ઓ.જી.ની ટુકડીએ રૂપિયા એક લાખ નવ હજારની કિંમતની સામગ્રી કબ્જે કરી લીધી છે અને મકાન માલિક જીતુભાઈની અટકાયત કરી લીધી છે અને તેની સામે સિટી એ.ડિવિઝન પોલીસ મથકમાં ડુપ્લીકેટ તમાકુ બનાવવા અંગેની કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.

Tags :