જામનગરનો કુખ્યાત દિવલો ડોન પોલીસના હાથે ઝડપાયો
- પાડોશી મહિલા પર હુમલા કેસમાં ફરાર હતો: સાગરિત સાથે ધરપકડ
જામનગર, તા. 10 એપ્રીલ 2020, શુક્રવાર
જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાંથી ગઇકાલે રાત્રે પેટ્રોલીંગ દરમિયાન પોલીસે કુખ્યાત શખ્સ દીવલા ડોન અને તેના સાગરિતને પકડી પાડયો છે. પાડોશી મહિલા પર હુમલો કરવા અંગેના પ્રકરણમાં બંને શખ્સો ફરાર હતા.
જામનગર ના રાંદલ નગર વિસ્તારમાં રહેતો કુખ્યાત શખ્સ દિવ્યરાજસિંહ ઉર્ફે દીવલો ડોન અને તેનો સાગરીત શિવો નવરંગ કપ્ટા નામના બે શખ્સો આજથી પંદર દિવસ પહેલા પોતાની પાડોશમાજ રહેતી એક મહિલા ઉપર પથ્થરમારો કરીને ભાગી છૂટયા હતા. જે અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં બંને સામે હુમલા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
દરમિયાન ગઇકાલે રાત્રે બંને સખ્શો રામેશ્વર નગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે આવ્યા હોવાની બાતમીના આધારે સીટી બી ડિવિઝન પોલીસે દિવ્યરાજસિંહ ઉર્ફે દીવલો ડોન અને તેના સાગરીત શિવો નવરંગ કપ્ટા ને પકડી પાડયા છે. અને વધુ તપાસ હાથ ધરી છે.