જામનગર, તા.7 મે 2020, ગુરૂવાર
જામનગરમાં ખોડીયાર કોલોની નજીક મેહુલ નગર 80 ફુટ રોડ પર બે પાડોશીઓ વચ્ચે ગટર સાફ કરવાના પૈસા બાબતે તકરાર થઇ હતી અને એક બુઝુર્ગ પર પાડોશી પિતા-પુત્રએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે.
જામનગરમાં મેહુલ નગર 80 ફુટ રોડ પર રહેતા હરખચંદ ગોવિંદભાઈ વિસરીયા નામના 66 વર્ષના મહાજન વયોવૃદ્ધએ પોતાના ઉપર લાકડી વડે હુમલો કરી પગમાં ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે બાજુના ટેનામેન્ટ વાળા પુરોહિત ભાઈ અને તેના પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીના મકાન અને આરોપીના ટેનામેન્ટની વચ્ચેની ગટરની સફાઈના મુદ્દે સફાઈના પૈસા ભાગે પડતાં આપવાના મામલે તકરાર થઇ હતી અને પાડોશી પિતા-પુત્રે હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


