Updated: May 24th, 2023
- ચાર લાખ રૂપિયાના સાત લાખ ચૂકવી દીધા પછી પણ એકટીવા ઝુંટવી લેવાયું: રીક્ષા પડાવી લેવાની ધમકી
જામનગર,તા.24 મે 2023,બુધવાર
જામનગર જિલ્લાના ધ્રોલના એક વેપારીનો પુત્ર ધ્રોલના વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો છે, અને 30 ટકા જેટલું રાક્ષસી વ્યાજ ચૂકવી દીધા પછી પણ બંને વ્યાજખોરોએ ધાકધમકી આપી એકટીવા પચાવી પાડ્યું હોવાની અને રીક્ષા પણ પડાવી લેવાની ધમકી આપતા મામલો ધ્રોલ પોલીસ મથાકે લઈ જવાયો હતો, અને પોલીસે બંને વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે.
ધ્રોલમાં રજવી સોસાયટીમાં રહેતા મેમણ વેપારી યુસુફભાઈ સતારભાઈ આબવાણીએ ધ્રોલમાં જ નંદનવન સોસાયટીમાં રહેતા ફૈજાન ઇન્દ્રીશભાઈ તેમજ તૌશિફ જુસબભાઈ દલ નામના બે શખસો સામે ગેરકાયદે નારણ ધીરધાર કરવા અંગે તેમ જ પોતાને અને પોતાના પુત્રને મારમારી એકટીવા પડાવી લીધાની તેમજ રીક્ષા પડાવી લેવાની ધમકી આપવાની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવી છે.
જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મેમણ વેપારીનો પુત્ર શાહનવાજ કે જેણે અગાઉ બંને આરોપીઓ પાસેથી 4 લાખ રૂપિયા 30 ટકાના વ્યાજે લીધા હતા. જેની વ્યાજની સાત ટકા જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં હજુ વધુ પૈસા પડાવવા માટે ધમકી આપી એકટીવા જુટવી લીધું હતું. તેમજ તેને અને તેના પુત્રને પતાવી દેવાની ધમકી આપી રીક્ષા પણ પડાવી લેવાની કાર્યવાહી કરતાં આખરે મામલત ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવાયો હતો.
ધ્રોલ પોલીસ બંને વ્યાજખોરો સામે ગેરકાયદે નાણા ધીરધાર અંગેની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે. જે બંને આરોપીઓ હાલ ભાગી છુટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.